મંગળવાર, 5 માર્ચ, 2019

ગુડનાઈટ, ડૅડી ! – ચંદ્રકાન્ત બક્ષી

એણે જોયું બેબી વાર્તા સાંભળતા સાંભળતા જ સૂઈ ગઈ હતી.
ધીરેથી એણે બેબીના વાળની બંને રેશમી રિબનો ખોલી. પછી એક પછી એક હેરપિનો કાઢી લીધી, વાળ છૂટા કર્યા અને માથા પર હાથ ફેરવ્યો, ગાલ પર એક બચી ભરી. કહેવાનું મન થયું ‘ગુડ નાઈટ, ડાર્લિંગ !’
સવારની ફલાઈટથી જવાનું હતું બેબીને.
ટેબલ પર પડેલી જૂની ડબલ લાઈનવાળી નોટનું પાનું ફફડ્યું. એ ઊભો થયો. હોમવર્કવાળી નોટ ઠીક કરીને બેગમાં મૂકતાં એનાથી વંચાઈ ગયું. આડાઅવળા અક્ષરે અંગ્રેજીમાં પેન્સિલથી લખ્યું હતું : ‘ફેરી પિંક કુડ નોટ ફ્લાય, ફૉર હર વિંગ્સ વેર વેટ.’ – પાંખો ભીંજાઈ ગઈ હતી એટલે ફેરી પિંક ઊડી શકતી ન હતી. ફૅરી પિંક પરી હતી. નદીને કિનારે રહેતી હતી. લાઈલેકનાં ફૂલો વચ્ચે ઊડતી હતી. એ ઊડતી હતી એટલે ફૂલો હાલતાં હતાં અને પંખુડીઓ પરથી શબનમ ઝરતું હતું અને જ્યાં જ્યાં શબનમનું એક ટીપું ઝરતું હતું ત્યાં એક પતંગિયું પંખ ફફડાવીને ઊડી જતું હતું.
એણે નોટ બંધ કરી અને બૅગમાં મૂકી.
એણે કહેલું : ‘બેટા, વહેલી સૂઈ જા, કાલે વહેલા ઊઠીને તૈયાર થવાનું છે.’
‘કેમ?’
‘કાલે વહેલા ઊઠવાનું છે. પછી તું ઊઠીશ નહીં.’
‘ઊઠીશ, મને વાર્તા કહો.’
એણે વાર્તા બનાવવા માંડી : ‘એક બેબી હતી…..’
‘મારા જેવી ?’
‘હા, તારા જેવી, પણ એના વાળ તારા કરતાં લાંબા હતા.’
‘કેટલા લાંબા, ડૅડી ?’
‘બહુ લાંબા.’
’એ ચશ્માં પહેરતી હતી ?’
એ હસ્યો. પછી યાદ આવ્યું, મંમી ચશ્માં પહેરતી હતી એટલે. અને એ ગમગીન થઈ ગયો. સંયત થઈ ગયો. ફરી હસ્યો. ‘તને કેવી રીતે ખબર પડી ગઈ ?’
‘મને ખબર નથી.’
‘અચ્છા. એ ચશ્માં પહેરતી હતી.’
‘આપણી મંમી પણ ચશ્માં પહેરે છે ને ?’
’હા, મંમી ચશ્મા પહેરતી હતી. પણ બેબીનાં ચશ્માં મંમી કરતાં નાનાં હતાં.’
‘એ જોઈ શકતી ન હતી?’
‘જોઈ શકતી હતી. બહુ નહીં.’
‘ચશ્માં પહેરે એટલે ન રડાય ?’
‘રડાય.’
‘પછી ?’
‘ -પછી બેટા, એ બેબી એક વાદળ પર બેસી ગઈ. વાદળમાં બહુ પાણી હતું.’
‘બેબી ભીંજાઈ ગઈ ?’
‘ના બેટા, એ બેબી વાદળ પર બેસી ગઈ અને વાદળ આકાશમાં વહેતું હતું. અને એક નાનું લીલું પક્ષી આવ્યું. પક્ષી બહુ થાકી ગયું હતું. ઊડી ઊડીને પાંખો ફફડાવતું ફફડાવતું એ વાદળ પર બેસીને શ્વાસ ખાવા લાગ્યું, અને…’
‘એ રસ્તો ભૂલી ગયું હતું ?’
‘હા, એ રસ્તો ભૂલી ગયું હતું.’
‘રાત પડી ગઈ ?’
‘ના, રાત ન હતી. પણ અંધારું થઈ ગયું હતું એટલે પક્ષી ગભરાતું હતું. બેબીની પાસે બેસી ગયું.’
‘એને ડર લાગતો હતો ?’
‘ડર લાગે ને. આટલા મોટા આકાશમાં એકલું એકલું ઊડયા કરે તો ડર લાગે ને ?’
‘લાગે.’
એટલે બેબીએ પક્ષીને પૂછયું : ‘પક્ષી, તું કયાં રહે છે ?’
‘પક્ષી કયાં રહેતું હતું ?’
’પક્ષીએ કહ્યું કે, હું તો એક તારામાં રહું છું. એ તારો અહીંથી બહુ દૂર દૂર છે.’
‘કેટલે દૂર ?’
’ખૂબ દૂર. મામાનું ઘર છે ને, એટલે બધે દૂર.’
‘પક્ષી રડવા લાગ્યું ?’
‘ના, એ કહે બેબી, હું રસ્તો ભૂલી ગયું છું. મને વાદળ પર બેસવા દઈશ ? બેબી કહે : હા, જરૂર બેસવા દઈશ. પછી પક્ષી બેઠું. અને વાદળ આગળ વહેવા લાગ્યું.’
‘એ ઊડી ઊડીને થાકી ગયું હતું ?’
‘હા, બેટા, એ ખૂબ ઊડી ઊડીને થાકી ગયું હતું, એટલે વાદળ પર બેબીની સાથે બેસી ગયું.’
‘પછી ?’
પછી ચશ્માંવાળી બેબીએ લીલા પક્ષીને પૂછયું : ‘પક્ષી, તને ગાતાં આવડે છે ?’
પક્ષીએ કહ્યું : ‘મને તો ગાતાં આવડે જ ને !’
બેબીએ પૂછયું : ‘મને એક ગીત સંભળાવીશ ?’
‘પક્ષીને ગીત ગાતાં આવડે, ડેડી ?’
‘આ પક્ષીને આવડતું હતું બેટા, એણે ગાયું.’
‘બેબીને મજા પડી ?’
‘ખૂબ મજા પડી. બેબી ખુશ ખુશ થઈ ગઈ. ઊભી થઈ. ખૂબ નાચી. એ નાચી એટલે વાદળ હાલ્યું અને વાદળમાંથી વરસાદ પડવા લાગ્યો.’
‘તમે તો કેવી ફાઈન વાતો કરો છો, ડેડી !’
‘તને ગમે છે ?’
‘હા, મને બહુ ગમે છે. પછી શું થયું ?’
‘ખૂબ વરસાદ પડયો. વાદળું ખાલી થઈ ગયું. વરસાદ નદી ઉપર પડયો અને પર્વતો ઉપર પડયો. જમીન પર પડયો, ઝાડો પર પડયો. પાંદડાઓ પર પડયો.’
‘ઝાડ પણ ભીંજાઈ ગયાં ?’
‘હા, એક ઝાડ હતું. એનાં પાંદડાં પીળાં પડી ગયાં હતાં. એમાં એક કેસરી કીડી રહેતી હતી.’
‘એ પણ ભીંજાઈ ગઈ ?’
‘હા, કેસરી કીડી પીળા પાંદડા પર સૂતી હતી. હવા આવી એટલે પાંદડું તુટવા લાગ્યું, કીડીની પાંખો ભીંજાઈ ગઈ. એ ઊડી શકી નહીં. પછી એ રડવા લાગી.’
’કીડી કેમ રડવા લાગી ?’
‘એની પાંખો ભીંજાઈ ગઈ ને બેટા, એટલે એ ઊડી શકી નહીં, એટલે રડે.’
‘ડેડી, ફેરી પિંકની પાંખો ભીંજાઈ ગઈ હતી. એ પણ રડતી હતી.’
‘આ કીડી પણ ફેરી પિંકની જેમ રડવા લાગી. કહેવા લાગી મારી પાંખો ભીંજાઈ ગઈ. હવે હું નહીં ઊડી શકું.’
‘બેબીએ એની પાંખો લૂછી નાખી ?’
‘ના. ત્યાં એક જાડો દેડકો બેઠો હતો. એનું ગળું હાલતું હતું અને આંખો બહાર નીકળી ગઈ હતી. કીડીની પાંખો ભીંજાઈ ગઈ ને એટલે એ હસવા લાગ્યો.’
‘પછી ?’
’પછી સૂરજ ચમક્યો. આકાશ ગરમ થયું. નદી ગરમ થઈ. પર્વતો ગરમ થયા. જમીન ગરમ થઈ એટલે કીડીની પાંખો પણ સુકાઈ ગઈ.’
‘કીડી ઊડી ગઈ ?’
‘તડકો ખૂલ્યો એટલે કીડીની પાંખો સુકાઈ ગઈ. અને દેડકાની આંખો ધૂપમાં બંધ થઈ ગઈ. કીડીની પાંખો તડકામાં ચકચક થવા લાગી. પછી કેસરી કીડી ઊડવા લાગી. લીલું પક્ષી ગાવા લાગ્યું. ચશ્માવાળી બેબી નાચવા લાગી.’
‘કેવું ફાઈન, ડૅડી !’
‘પછી સામે એક મેઘધનુષ ખૂલી ગયું.’
‘મેઘઘનુષ એટલે ?’
‘વરસાદ પડે અને સૂરજ ચમકે એટલે આકાશમાં સાત હલકા રંગોનો એક પુલ બની જાય. ઝૂમાં છે ને એવો જાપાનીસ પુલ જેવો.’
‘પછી ?’
’કેસરી કીડી એ મેઘધનુષના રંગીન પુલ ઉપર જઈને રમવા લાગી. લીલું પક્ષી એ પુલ ઉપર થઈને ઊડી ગયું. એ રહેતું હતું એ તારા તરફ ઊડી ગયું.’
‘અને બેબી, ડૅડી ?’
’બેબી પણ સૂઈ ગઈ. બેટા. ચાલ, હવે તું પણ સૂઈ જા.’
‘બેબી કયાં સૂઈ ગઈ ?’
’એના ડૅડી પાસે. વાર્તા પૂરી થઈ ગઈ. ચાલો. હવે સૂઈ જવાનું – ગુડ નાઈટ.’
’ગુડ નાઈટ, ડૅડી !’
રેશમી રિબનો અને હેરપિનો એણે બેબીની નાની બૅગમાં મૂકયાં. પેન્સિલથી હોમવર્ક કરેલી નોટ મુકાઈ ગઈ. કેસરી કીડી મેઘઘનુષ પર રમતી હતી. લીલું પક્ષી ઊડી ગયું હતું – તારાઓના દેશમાં. ચશ્માવાળી બેબી ચશ્માં અને રિબનો અને હેરપિનો કાઢીને ડૅડીને ગુડનાઈટ કરીને સૂઈ ગઈ હતી. વાર્તા પૂરી થઈ ગઈ હતી.
બેબીને સવારની ફલાઈટથી મોકલી દેવાની હતી. એ એકલી જ જવાની હતી. અહીંથી બેસી જવાની હતી નવ વાગ્યે. સાડાબારે ચેન્નાઈ ઊતરી જવાની હતી. ચેન્નાઈ પર એની મંમી એને લેવા આવવાની હતી.
એનું વેકેશન પણ પુરું થવા આવ્યું હતું.
– અને એના ડૅડી સાથે રહી આવવાની કોર્ટે આપેલી મુદત પણ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો