2020 સુધીમાં ભારતમાં શરૂ થશે 5G, 100 ગણુ ફાસ્ટ ચાલશે ઈંટરનેટ

દિલ્હી, 25 ફેબ્રુઆરી 2019, સોમવાર
5G ટેકનીકથી સ્માર્ટફોનની દુનિયામાં એક મોટો ફેરફાર થશે. તેનાથી કાર, ઘર, મશીન અને ગેજેટ્સને ઈંટરનેટ કનેકશન સાથે જોડી શકાશે. દેશના કોઈપણ ખૂણામાં જો કોઈ વ્યક્તિને સારવારની જરૂર પડે અને તે યાત્રા કરી શકવાની સ્થિતીમાં ન હોય તો 5જીની મદદથી તેની સારવાર વર્ચુઅલ રિયાલિટી કંટ્રોલર્સની મદદથી કરી શકાશે. આ જ કારણ છે કે દેશના મોટાભાગના સર્વિસ પ્રોવાઈડર્સ 5જી તરફ આગળ વધી રહ્યા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશંસ સિસ્કો, સેમસંગ, એરિક્સ અને નોકિયા જેવી ઈક્વિપમેન્ટ વેંડર્સ સાથે રિલાયંસ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલ સાથે પાર્ટનરશિપ કરવા માટે કહી ચુકી છે. ડિપાર્ટમેન્ટ ઈચ્છે છે કે ટેલીકોમ કંપનીઓ દેશમાં ટુંક સમયમાં 5જી માટે ફીલ્ડ ટ્રાયલ કરે અને વ્યાવસાયિક સ્તર પર તેની શરૂઆત સરળ બને તે માટે જરૂરી સિસ્ટમ વિશે જણાવે.
5જી નેટવર્કની સ્પીડ 4જી કરતાં 100 ગણી વધારે હશે. સરકારને આશા છે કે દેશમાં 5જીની શરૂઆત વર્ષ 2020 સુધીમાં થઈ જશે. જો કે ટેલીકોમ સેક્ટરના નિષ્ણાંતોનું કહેવું છે કે 5જી લોન્ચ કરવા માટે ભારતમાં જે ગતિથી કામ થાય છે તે ઘણું ધીમું છે. દક્ષિણ કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ચીન, ફ્રાંસ અને જર્મની આ દ્રષ્ટિએ ભારત કરતાં ત્રણ વર્ષ આગળ ચાલી રહ્યા છે. 5જી નેટવર્ક પર ભારતમાં થતા ધીમી ગતિના કામ માટે જવાબદાર ફાઈબર નેટવર્ક ઈંફ્રાસ્ટ્રક્ચરની ખરાબ સ્થિતી છે. જો કે તેમ છતાં 5જી સ્પેક્ટ્રમનું વેચાણ વર્ષના અંત સુધીમાં થવાની સંભાવના સેવાઈ રહી છે. 5જી નેટવર્ક જૂન માસમાં સૌથી પહેલા અમેરિકામાં શરૂ થશે ત્યારબાદ દક્ષિણ કોરિયા, જાપાન અને ચીનમાં આ સેવા શરૂ થશે.
ભારતમાં 5જીને સફળ બનાવવા માટે ઓછામાં ઓછા 70થી 80 ટકા ટેલીકોમ ટાવર્સને ફાઈબર સાથે જોડવા પડશે. આ કાર્ય દરમિયાન ડેટાની સ્પીડને લઈ સમસ્યાઓ આવી શકે છે. જો કે આ મામલે ચીન ઘણું આગળ છે 5જી માટે ચીનમાં 80 ટકા ટાવર્સ ફાઈબર સાથે જોડાઈ ચુક્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો