મંગળવાર, 5 માર્ચ, 2019

બે આંખની શરમ – સુધીર દલાલ

પસાર થઈ જતી મોટરના હેડલૅમ્પના અજવાળામાં આઠદસ છોકરાઓના ટોળાએ લટકાતી-મટકાતી ચાલી જતી એક છોકરી જોઈ અને અનેક ઝીણીતીણી સિસોટીઓથી અને eyes right, boys થી હવા ગુંજી ઊઠી. એ ટોળામાંના એકે – કેતને, ક્લિક – ચાંપ દાબી હોય એમ એકસ-રે લીધો અને એ પસાર થઈ ગયેલી ક્ષણ પછી જ્યારે એ જોવા બેઠો ત્યારે એમાં નર્યા નીતર્યા રૂપ ને સુડોળ, સમૃદ્ધ આકૃતિ સિવાય બીજું કંઈ જ નહોતું. એના હ્રદયે થોડા ધબકારાની ગાપચી મારી દીધી અને એ મૂગો થઈ ગયો.
ચોથી-પાંચમી વાર એણે આ છોકરી આ જ રીતે સ્વપ્ન માફક પસાર થતી જોઈ હતી, પણ એકેય વાર એનું સળંગ દ્રશ્ય એ યાદ રાખી શક્યો નહોતો. એકાદ ક્ષણ જ ચાલનું એકાદ ડગલું જ, ડોકનો એકાદ મરોડ જ એના ચિત્તમાં જડાઈ ગયાં હતાં – આખા ચલચિત્રમાંથી મશીન અટકી જતાં પડદા પર સ્થિર થઈ ગયેલું એકાદ દ્રશ્ય જ યાદ રહી જાય એમ; ગીતની આખી રેકર્ડ યાદ ન રહેતાં તડમાં ફસાઈ ગયેલી પિનથી અનેક વાર વાગ્યા કરેલી એકાદ પંક્તિ જ યાદ રહે એમ. આ ચારપાંચ ક્રમનો સરવાળો એક જ થતો હતો : એને મળવું જ પડશે, કદાચ ચંપલ કે તમાચો ખાવો પડે તો પણ.
લૉન પર કૂંડાળું વળી બેઠેલા ટોળામાંથી એ ઊભો થઈ ગયો અને પાસે ઊભા રાખેલા એના સ્કુટર તરફ ચાલ્યો. બીજા બધા સમજી ગયા. એકે best luck કહ્યું અને બીજા એકે ‘અમારે શું? પરણો અને સુખી થાઓ એટલે બસ.’ કહ્યું. સંસ્થાના વાર્ષિકોત્સવમાં થતા સેક્રેટરીના ભાષણની જેમ એ બધાની ટકોર ગણકાર્યા વગર એણે સ્કુટર ચાલુ કર્યું.
છોકરી હજુ બહુ દૂર પહોંચી નહોતી. રસ્તાની ધારને કિનારે કિનારે એકધારી રીતે એ ચાલી જતી હતી. કેતને સ્કુટર એક બાજુ ઊભું રાખ્યું. છોકરીના સ્કુટરના અટકવાના અવાજથી ચમકી અને એ બાજુ તાકી રહી. તરતજ કેતન બોલ્યો : ‘તમે મને ઓળખતાં નથી. હું તમને લગભગ રોજ અહીં ફરવા નીકળતાં જોઉં છું. મારું નામ કેતન, હું તમારી સાથે ચાલુ તો વાંધો છે?’

ક્ષણભર એ વિચારમાં પડી ગઈ હોય એમ લાગ્યું અને પછી એણે હાથ લાંબો કર્યો : ‘ચાલો !’
કેતનનો હાથ પકડીને એણે ચાલવા માંડ્યું ! કેતને નવલકથામાં પણ આવું નહોતું વાંચ્યું. એના શરીરમાં એક અવર્ણ્ય ઝણઝણાટી ફેલાઈ ગઈ. એનો હાથ – પેલો મૃદુ હાથ પકડેલી હથેળી, જાણે બહેર મારી ગઈ ! માંડ માંડ એ બોલી શક્યો : ‘તમારું નામ?’
‘પ્રીતિ’
મીઠું, લાડકું, ગળ્યું ગળ્યું ! થોડુંક એ બન્નેએ મૂગા મૂગા ચાલ્યા કર્યું. છોકરીની હજુ એ જ સ્વસ્થતા હતી; એની ચાલમાં એ જ લયકારી; એની આજુબાજુ ગુંજતું લાગતું એ જ સંગીત.
‘આપણે ક્યાંક બેસીશું?’ કેતને પૂછ્યું.
‘તમે કહો ત્યાં. દોરી જાઓ.’ છોકરી બોલી.
‘શી કહેવાની રીત ! દોરી જાઓ !!’ કેતન એનો હાથ ખેંચી એક બાજુ લઈ ગયો અને અંધકારના એક ખૂણે ઝાડ નીચે બેઠો. છોકરીએ ડ્રેસ સરખો કર્યો. ઊભા ઢીંચણે, લાંબા પગે બેઠી. ઢીંચણ ફરતા હાથ ગોળ વીંટી દીધા. અને ડોક ટટ્ટાર કરી વાળ પાછળ બરડે પાથરી કાઢ્યા. પછી પૂછ્યું : ‘તમે ક્યાં રહો છો?’
‘શાહીબાગ.’ કેતને કહ્યું. ‘અને તમે?’
‘હું તો અહીં જ રહું છું – અરધો એક માઈલ દૂર. તમે હંમેશા અહીં ફરવા આવો છો?’
‘ક્યારેક; બધા ભાઈબંધો ભેગા થયા હોઈએ ત્યારે. તમને મળવાનું ઘણીવાર મન થયું, પણ હિંમત આજે જ કરી શક્યો.’
કેતને કહ્યું તો ખરું, પણ એને થયું કે એક હિંમત આવતાં બીજી અનેક હિંમતો ચાલી ગઈ હતી. પ્રીતિના સાન્નિધ્યે એની અનેક લાગણીઓને જાણે છતી કરી દીધી હતી. એક રીતે જાણે કોઈ એનાં કપડાં ઉતારી ગયું હોય એમ એને શરમ પણ આવવા માંડી. છોકરીએ એના હાથમાં હાથ સોંપી એની બધી વિલાસિતાઓને જાણે અટકાવી દીધી હતી, ઈચ્છાઓને જૂદો જ વળાંક આપી દીધો હતો. સ્કૂટર પર વિચારી રાખેલું ‘છેવટે ત્રીજી વારની મુલાકાતે પોતે એનો હાથ, રેખાઓ જોવાને બહાને, હાથમાં લેશે.’ – એ બધું નકામું ગયું. એના હૃદયમાં એણે કદી નહિ અનુભવેલી કૂંણી લાગણીઓ જન્મી : કંઈક અંશે સ્વચ્છ અને સાત્વિક.
‘આજે કઈ તિથિ થઈ?’ પ્રીતિએ પૂછયું.
‘તિથિ ? તિથિ કોણ યાદ રાખે છે ! આખા વર્ષની એક તિથિ યાદ છે – મહા સુદ પડવો. મારી વર્ષગાંઠ. કેમ કંઈ છે?’
‘કંઈ નહિ આ તો ચંદ્ર….’ એ અટકી ગઈ. કેતને દોર સાંધી દીધો : ‘ચંદ્ર પરથી આઠમ-નોમ લાગે છે.’
‘ચાંદની સરસ છે નહિ?’ પ્રીતિ બોલી.
કેતન જરાક હસ્યો : ‘તમને ચાંદની વળી કયાં દેખાઈ? મ્યુનિસિપાલિટીના દીવા બધી મઝા મારી નાખે છે !’
‘દીવાનું તેજ થોડું જ આપણા સુધી આવે છે?’
‘પણ ચાંદની ત્યારે ક્યાં આવે છે? ઝાડના પડછાયામાં એય ખોવાઈ ગઈ છે. સિવાય કે આ જમીન પર પડતા, પાંદડામાંથી ચળાઈ આવતા ચાંદરણાને ચાંદની કહીએ તો છે.’
‘તમે માનો તો ચાંદરણું ચાંદની લાગે, અને ન માનો તો ચાંદનીય ચાંદરણું; – સુખદુ:ખની જેમ.’
‘ઓહ ! તમે કવિ છો કે તત્વજ્ઞાની?’
‘હું આવું બધું વિચારું છું અને પછી દુ:ખી દુ:ખી થઈ જાઉં છું. એક ક્ષણે સુખ અને બીજી ક્ષણે દુ:ખ, કેમ? સુખ પછી દુ:ખ આવું બધું.’
‘દુ:ખ એ સુખનો પડછાયો હોવો જોઈએ.’ કેતન બોલ્યો તો ખરો, પણ પછી વિચારમાં પડી ગયો. એને થયું કે આ હું બોલ્યો? કેતન? પેલા ટોળામાંનો એક? એના દોસ્તો વચ્ચે આવું કંઈ બોલ્યો હોય તો? Get out કરે, નાતબહાર મૂકે, મશ્કરી કરે, એથીય વધુ – એની વાત સાંભળ્યા વગર જ ફિલ્મોની વાતો ચાલુ રાખે.
‘કદાચ નાનું છોકરું ચગ્યું હોય ત્યારે આપણે કહીએ છીએ ને કે ‘બહુ ખીલ્યું છે તે રડવાનું જ થયું છે’ એની પાછળ પણ એ જ તત્વજ્ઞાન હશે, કેમ?’ પ્રીતિ બોલી : ‘અત્યારે હું સુખી છું, કદાચ કાલે દુ:ખી હોઈશ. તમે અત્યારે સુખી છો, કલાક પછી કદાચ દુ:ખી હશો.’ પ્રીતિએ ઢીંચણ ઉપર માથું નાખી દીધું.
‘જવા દે એ વાત આપણે કયાં ફિલસૂફ થવું છે?’
‘કેટલા વાગ્યા? તમારી પાસે ઘડિયાળ છે?’ પ્રીતિએ પૂછ્યું. કેતને સામે દેખાતા ટાવરમાં જોઈને કહ્યું : ‘ટાવર સામે જ છે ને ! નવ ને વીસ. કેમ, મોડું થાય છે?’
‘તમે નવ ડંકા સાંભળ્યા? મેં કેમ સાંભળ્યા નહિ?’
‘આપણે ફિલસૂફીમાં ઊતરી ગયાં હતાં ને, એટલે.’
ઠંડો પવન નીકળ્યો હતો. પ્રીતિના વાળની લટ એમાં ફરફરવા લાગી. ક્યાંય સુધી એ નીચી આંખો ઢાળી બેસી રહી. કેતન થોડીવાર એને જોઈ રહ્યો. પ્રીતિની મુખાકૃતિ હજુ એણે સ્પષ્ટપણે જોઈ નહોતી. એને એ હૈયામાં કંડારી લેવી હતી. પ્રીતિની હડપચી પકડી એણે એનું મોં પકડી લીધું. એના સ્પર્શે એ થથરી ઊઠી. એણે આંખો મીંચી દીધી ને જાણે વાટ જોઈ રહી.
કેતન એને બરાબર જુએ એ પહેલાં જ ત્યાંથી પસાર થતી એક મોટર ત્યાં ઊભી રહી. મોટરમાંથી ધીમો ચણભણાટ એમની બાજુ દોડી આવ્યો. મોટર જરાક વળી અને એનું લાઈટ બન્ને પર પથરાઈ ગયું. કેતન ચોંકી ઊઠયો. ટટ્ટાર થઈ ગયો. આંખ સામે હાથ ધરી એણે પ્રીતિ સામે જોયું. એ તો એવી જ સ્વસ્થ હતી. કેતનને થયું, છોકરીઓ આટલી હદ સુધી પ્રેમમાં મસ્ત રહેતી હશે? સ્થાન, સમય, સંજોગ, સંકોચ, ભૂલી જઈ શક્તી હશે?’ ‘તોફાની છોકરાઓ લાગે છે.’ એણે કહ્યું.
‘કેમ?’
‘હાથે કરીને એણે મોટર ફેરવી આપણા ઉપર લાઈટ ફેંક્યું. એમાં એમના હાથમાં શું આવ્યું?’
‘વ્હીસલો ના મારી એમ કહો. એટલા સજ્જન.’
કેતન શરમાઈ ગયો. પોતેય એવા જ એક ટોળામાંનો હતો ને ! એણે ફરી એ ટોળાનું નામ નહિ લેવાનો નિશ્ચય કર્યો.
પ્રીતિમાં એવું કંઈક તત્વ હતું જેનાથી વાતાવરણ સ્વચ્છ, સહજ થતું હતું. જે છોકરી વિષે પહેલાં એણે દરેક જાતનો સારો-નરસો વિચાર કરેલો એ જ છોકરી વિષે અત્યારે એ નિર્મળ પ્રેમ ને મમતા સિવાય બીજો એક પણ વિચાર કરી શક્યો નહોતો. સ્ત્રીની ગેરહાજરીમાં ખદબદતાં ગંદા વિચારો, મલિન ઈચ્છાઓ, વિલાસી વૃત્તિઓ સ્ત્રીના સાન્નિધ્યમાં કેમ વિલીન થઈ જતાં હશે?
ક્યાંય સુધી પોતાના વિચારોમાં એ ગરકાવ થઈ ગયો. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે પ્રીતિ કંઈક ધીમે ધીમે ગણગણતી હતી. થોડીવાર એ સાંભળી રહ્યો. શબ્દો સંભળતા નહોતા છતાં સ્વર ગુંજતો હતો.
‘મોટેથી ગાઓને ! મનેય થોડો લાભ મળે.’
‘અરે, મને કંઈ ગાતાંબાતાં નથી આવડતું. કમનસીબે એવી કોઈ કળા આપણને વરી નથી.’
‘તો હમણાં તમે શું ગાતાં હતાં?’
‘ગણગણતી હતી, ગાતી નહોતી.’
‘અચ્છા ગણગણતાં હતાં, બસ ! એક વિનંતી કરું? કંઈક ગણગણોને ! તમને જે આવડે તે. અને સાથે સાથે કહી દઉં કે મને તો આવડતું જ નથી, એટલે તમે ગમે તેવું ગાશો તોય ગભરાવાની જરૂર નથી.’
‘મને તો નથી આવડતું એકે સિનેમાનું ગીત કે સુગમસંગીત. આ તો વર્ષો પર એક ગઝલ વાંચી હતી એ યાદ કરતી હતી. શબ્દો બેસતા નહોતા.’
‘કઈ?’
‘તો લિજિયે સુનિયે!’ જાડો અવાજ કાઢી પ્રીતિએ કહ્યું અને ગવૈયાની જેમ ગળું ખોંખાર્યું.
કેતન હસી પડ્યો. પ્રીતિની સ્ટાઈલ જ એવી હતી.
‘આ….’
’હું સ્વર આપું?’ કેતને પણ ચાલાવ્યું.
‘નહિ. નહિ તમે ‘સ્વર્….ગ’ જ આપો. હું સ્વર આપીશ.’
ગઝલની બે પંક્તિઓ પ્રીતિએ ગાઈ.
‘બસ, આગળ નથી આવડતું.’ એ બોલી.
‘ફાઈન ! સરસ ! બ્રેવો !’
‘શું ફાઈન ? મેં આટલેથી પૂરું કર્યું એ સારું કર્યું.’
‘અરે તમે તો બે લીટીયે ગાઈ શક્યાં, અહીં તો ‘મેં એક બિલાડી પાળી છે’ ભીમપલાસીમાં શીખ્યા હતા ત્યાંથી આગળ વધ્યા જ નથી. ભીમપલાસી તો પાછું કોઈકે કહેલું એટલે; નહિ તો આપણે મન ‘મેં એક બિલાડી પાળી છે’ એટલે મેં એક બિલાડી પાળી છે. એમાં વળી રાગવૈરાગ શા?’
પ્રીતિ હસી પડી : ‘ઊઠીશું?’
‘ચાલો, હું તમને ઉતારી જાઉં.’
‘ના, ના; હું તો ચાલતી જ જઈશ.’
‘કેમ? મારી સાથે કોઈ જોઈ જાય એટલે?’
‘ના, એટલે નહિ. તમારે આવવું હોય તો ચાલો મારી સાથે. સ્કૂટર અહીં જ રહેવા દો.’
‘ચાલો.’ પ્રીતિ કેતનનો હાથ ઝાલી ઊભી થઈ. હાથ એના હાથમાં જ રહેવા દીધો.
‘કઈ બાજુ!’
‘આપણી વાતોમાં દિશાય ભૂલી ગઈ. કૉલેજ બાજુ. કૉલેજ કઈ તરફ આવી?’ પ્રીતિએ ચારે બાજુ નજર ફેરવી કાઢી.
કેતને કૉલેજ તરફ ચાલવા માંડ્યું. પ્રીતિની હથેળીમાંથી, એની આંગળીઓમાં પરોવાયેલી આંગળીઓમાંથી લોહી એના શરીરમાં ધમકારાબંધ પ્રવેશી પરિભ્રમણ કરવા માંડ્યું. ઘડીક પહેલાંની સરળતા, સાહજિકતા ચાલી ગઈ અને હૃદયના ધબકારા જાણે બૅંડવાજાં વાગતાં હોય એમ ચાલવા માંડ્યા.
બન્ને મૂગા મૂગા ચાલતાં હતાં. છેવટે પ્રીતિ બોલી : ‘કૉલેજ પછીની પહેલી ગલીમાં રખે આ તાનમાં ગુલતાન થઈ જાઉં, એટલે કહી રાખું ને?’
ગલીમાં વળ્યાં. થોડી વાર પછી પ્રીતિ બોલી : ‘મને લાગે છે આપણે આવી ગયાં. એક કામ કરો છો? ઝાંપાના થાંભલા ઉપર થાંભલા ઉપર બોર્ડ લટકાવેલું છે?’
‘છે. હવે ક્યારે મળશો?’
‘તમે કહો ત્યારે.’
‘કાલે ? રાતના આઠ વાગ્યે? અહીં આવું તો વાંધો છે?’
‘કશો જ નહિ ને!’
‘અચ્છા’
‘આવજો’
‘આવજો’
પ્રીતિએ ઝાંપો ખોલ્યો. એનો દુપટ્ટો ઝાંપાની ડિઝાઈનના એક વળાંકમાં ભરાઈ ગયો. કેતને વાંકા વળી એમાંથી દુપટ્ટો કાઢયો. પ્રીતિ અંદર ચાલી ગઈ. કેતને ઝાંપો બંધ કર્યો. પાછા ફરતાં એની નજર પેલા થાંભલા પરના પાટિયે પડી : ‘અંધ કન્યાગૃહ’ – અંધકારમાંય એ ઉકેલી શક્યો.
બીજે દિવસે આઠ વાગ્યે જ્યારે એ આવ્યો ત્યારે બહાર કોઈ નહોતું. એણે અંદર તપાસ કરી. પ્રીતિ નહોતી. ‘બહાર ગઈ છે; આપ કોણ?’ ઑફિસમાં બેઠેલાં એક પ્રૌઢ બહેને પૂછ્યું.
કેતને પોતાનું નામ ના આપ્યું : ‘હું એક ચિઠ્ઠી મૂકી જાઉં છું, તે એમને આપશો?’
‘જરૂર’
ખિસ્સામાંથી પેન કાઢી એણે એક કાગળ પર ઝડપથી ધ્રુજતા હાથે લખવા માંડ્યું.
‘પ્રીતિ,
તું સમજી ગઈ હોઈશ. મારે તને રૂબરૂ જ વાત કરવી હતી. પણ તું તો છે નહિ. એક રીતે ઠીક જ થયું. મારે જે બધું કહેવું છે એ કદાચ તારી સામે કહી જ શક્યો ન હોત. તારું હૃદય ભાંગતાં જીવ ચાલતો નથી. તારી વ્યથા કલ્પી શકું છું. પણ શું કરું? હું તો સમાજ, માબાપ, બધાથી વીંટાળાયેલો છું. તને અપનાવવાની મારામાં શક્તિ નથી. તું જોઈ શકતી હોત તો કદાચ તેં મને પહેલેથી જ માપી લીધો હોત. તારી અંધ આંખોએ મને છેતર્યો નથી, મેં તને છેતરી છે એમ મને લાગે છે. આ પત્ર પણ તારે તો કોઈની પાસે જ ઉકેલાવવો પડશે. ખેર ! ‘વચને કરેલા પ્યારના હૈયા કર્યા છે ટુકડા.’ જ ઠીક છે એમ તને હવે ખરેખર લાગશે. તારા દુ:ખમાં કંઈક અંશેય ભાગ મેળવવા તારી મૈત્રી તો ઝંખું જ છું.’ સહી કર્યા વગર જ એ ચાલ્યો ગયો.
પ્રીતિએ પાછા આવી એ કાગળ વાંચ્યો, હસી…, ફાડી નાખ્યો, અને ગૃહની બધી છોકરીઓ બરાબર સૂઈ ગઈ છે કે નહિ એ જોવા અંદરના ઓરડામાં ચાલી ગઈ.

બુકાનીની અંદર સ્વજન – ડૉ. શરદ ઠાકર

‘અલક, તેં નોકરી તો સ્વીકારી છે, પણ એક વાતનું ધ્યાન રાખજે. આ નોકરી ખાનગી કંપનીની નોકરી છે અને એનો માલિક અનિકેત કુંવારો છે. તું જાત સંભાળજે. નહિતર કંપનીનો માલિક તારા દેહનો પણ માલિક….’ મીનાએ અલકના કાનમાં ફૂંક મારી. મીના બે વરસ પહેલાં અનિકેત દિવાનની કંપનીમાં જ નોકરી કરી ચૂકી હતી. એનું કહેવું ખોટું ન હોય, પણ અલકને આ નોકરી સ્વીકાર્યા વગર છુટકો ન હતો. ગ્રેજ્યુએટ થયાને આ ત્રીજું વર્ષ ચાલતું હતું. પપ્પા તો એ નવમામાં હતી ત્યારે જ ગુજરી ગયા હતા. પાછળ એવી કોઈ મોટી બચત પણ મૂકતા ગયા નહોતા. ભાઈ પણ હજુ નાનો હતો. સરકારી નોકરી તો એક દૂરનું સ્વપ્ન હતી જ પણ ખાનગી નોકરી પણ આકાશમાં ઊગતાં ફૂલ જેવી હતી. સતત ઈન્ટરવ્યુઝ આપી આપીને થાક્યા પછી ગઈકાલે વિશાલ એન્ટરપ્રાઈઝમાં કલેરીકલ જૉબ મળી હતી. સોમવારથી હાજર થવાનું હતું. અને મીના એને કહી રહી હતી કે, ‘જાતને સંભાળજે. કંપનીનો માલિક અનિકેત દિવાન એક શિકારી પુરુષ છે….’
અલકે એ આખી રાત પાસા ઘસી ઘસીને કાઢી. શું કરશે અનિકેત એને? છેડતી કરશે? સ્ટાફના બીજા સભ્યોની હાજરી એને નડશે નહીં? એની ઑફિસના એકાંતમાં બોલાવીને કોઈક અજુગતી માગણી કરશે? પૈસાની લાલચ આપશે? કિંમતી ભેટસોગાદો આપીને એને ફસાવવાની કોશિશ કરશે? અને આ બધું કર્યા પછી પણ પોતે એની જાળમાં નહીં આવે, તો લગ્નનું વચન આપીને એને લૂંટી લેશે અને પછી હાથ પર બેઠેલી માખીને ઉડાડતો હોય એમ એને પોતાની જિંદગીમાંથી ખંખેરી નાખશે? મીનાને આવો કંઈક અનુભવ થયો હશે, ત્યારે જ એણે કહ્યું હશે ને કે ‘જાતને સાચવજે…’ અલકે મનોમન મીનાનો આભાર માન્યો. એણે મન મક્કમ કરી લીધું. એ એટલી હોંશિયાર તો ક્યારેય હતી જ નહીં કે લંપટ પુરુષની આંખ પારખી શકે. પણ સાવ એવી બુદ્ધુ પણ નહોતી કે કોઈ એને ચેતવી દે એ પછી પણ.. ! ‘થેંક્સ મીના ! હવે કોઈ જાળ મને ફસાવી નહિ શકે. હું નોકરી ન જાળવી શકું તો કંઈ નહીં, પણ જાત તો જાળવીશ જ !’ એણે મનમાં ને મનમાં સાથે વાત કરી લીધી.

નોકરીનું એક અઠવાડિયું વીતી ગયું. કશું જ અઘટિત ન બન્યું. અનિકેત દિવાન સોહામણો પુરુષ હતો એની ના નહીં. કંપનીના સંચાલનને એ પૂરી ગંભીરતાથી લેતો હતો એ અલકે પણ જોયું. ચમકતી, પીસ્તા કલરની ગાડીમાંથી એ ચપળતાપૂર્વક નીકળીને કાચના દરવાજામાંથી ઑફિસમાં દાખલ થતો, ત્યારે સ્ત્રીઓ તો શું પણ પુરુષ કર્મચારીઓ પણ વશીકરણની અસરમાં આવી જતાં. નિયમિતતા અને ચીવટ એ બે એના મુદ્રાલેખ હતા. ફાલતું વાત માટે જાણે એની પાસે સમય જ ન હતો. પહેલે દિવસે એ ઑફિસમાં પ્રવેશ્યો, ત્યારે અલકે પણ બધાંની જેમ ઊભા થઈને એને ‘ગુડ મોર્નિંગ’ કહ્યું હતું. એની પાસેથી પસાર થતી વેળા અનિકેત ક્ષણવાર માટે થંભ્યો હતો. એની આંખમાં કોઈ અદ્રશ્ય ચમક આવી ગઈ હતી એ અલકે પણ નોંધ્યું હતું. પણ પછી તરત જ અનિકેત માથું હલાવીને સામે ‘વીશ’ કરીને એની કેબનમાં જતો રહ્યો હતો. ત્યાર પછીના દિવસથી તો એણે અલકની હાજરીની નોંધ લેવાની પણ તસ્દી લીધી ન હતી. અલક તો જો કે તૈયાર જ થઈને બેઠી હતી. અનિકેત સહેજ પણ અડપલું કરે કે પોતે તરત જ એને ઝાડી કાઢશે. અનિકેત જિંદગીભર એની ખોડ ભૂલી જશે. ‘થેન્ક્સ મીના, તેં મને સમયસર ચેતવી દીધી, નહીંતર…’ અલકનો મૂક સંવાદ ચાલતો રહ્યો.
આજે આ વાતને અઠવાડિયું થવા આવ્યું હતું. બપોરની રીસેસ હતી. સ્ટાફના બધાં જ સભ્યો કેન્ટીનમાં ચા-નાસ્તો કરવ ગયા હતા. અલકને આવી ટેવ જ નહોતી. એ પોતાની ખુરશીમાં બેઠી હતી, ત્યાં જ ઈન્ટરકોમનું બઝર વાગ્યું. એણે રિસિવર ઉપાડ્યું. સામે છેડે અનિકેત બોલી રહ્યો હતો : ‘હેલ્લો મિસ અલક, તમે થોડીવાર માટે મારી કેબીનમાં આવી શકશો? મારે તમારું અતિશય મહત્વનું કામ છે. સોરી, મારે તમને ફોન કરીને કહેવું પડે છે, પણ શું કરું? પટાવાળો રીસેસમાં બહાર ગયો છે એટલે લાચાર છું…’
અલકે હોઠ ભીંસ્યા. પટાવાળો નથી એટલે અનિકેત લાચાર છે કે શું છે? એ કદાચ પટાવાળાના જવાબની રાહ જોઈને જ બેઠો હશે. અઠવાડિયા સુધી એણે જાણીબુઝીને અલક તરફ ધ્યાન નથી આપ્યું એ પણ એનો એક પેંતરો જ હશે. શિકારી પુરુષોને બરોબર ખબર હોય છે કે ખુબસૂરત સ્ત્રી ક્યારેક પ્રશંસાને બદલે અવગણનાથી પણ જીતાઈ જતી હોય છે. પણ અનિકેતને કદાચ એ વાતની ખબર નહીં હોય કે મીનાએ અલકના કાનમાં ફૂંક મારી દીધી છે. પેપર ફૂટી ગયું છે, હવે ગમે તેવો કૂટપ્રશ્ન પણ અલક માતે આસાન છે.
એ હળવેથી બારણું ખોલીને બોસની કેબીનમાં પ્રવેશી. વિશાળ અષ્ટકોણીય કેબીનમાં એક દિવાલ પાસે અનિકેતનું જાજરમાન ટેબલ અને રીવોલ્વીંગ ચેર ગોઠવેલા હતા. ટેબલની બીજી બાજુ ત્રણ-ચાર સાદી પણ કલાત્મક ખુરશી પડેલી હતી. અલક સાવધ રીતે એમાંની એક ખુરશી પર બેસવા ગઈ, પણ ત્યાં જ અનિકેતે કહ્યું : ‘તમને વાંધો ન હોય તો એ ખુરશીને છેક મારી નજીક ખસેડીને બેસશો? ગભરાશો નહીં, પણ મારે આપણા ધંધાની ખુબ જ ખાનગી વાત તમને….’
હવે એનો મતલબ ન સમજે એવી નાદાન તો અલક ક્યારેય નહોતી. એ ગુસ્સામાં ઊભી થઈ ગઈ. એક તીખી નજર અનિકેત તરફ નોંધીને એકીશ્વાસે એ બોલી ગઈ : ‘તમારી ખુબ જ ખાનગી વાત હું જે દિવસ નોકરીમાં જોડાઈ છું એ જ દિવસથી જાણું છું; સમજ્યા મી. અનિકેત? તમે ભીંત ભૂલ્યા છો. હું બહાર બેઠી છું. હું જાતે રાજીનામું નથી આપવાની; તમે મને બરતરફ કરો એની રાહ જોઈશ. અને મારી બરતરફીનું કારણ પણ તમારે મને લેખિતમાં આપવું પડશે….’ અલક ગુસ્સાના આવેગમાં પગ પછાડતી ચાલતી ગઈ. બારણું પણ એક ધામાકા સાથે એણે બંધ કર્યું. રીસેસમાં બહાર ગયેલા કર્મચારીઓ ધીમે ધીમે પાછા આવવા માંડ્યા હતા. અલકે કોઈને કશું જ કહ્યું નહીં. સાંજ સુધી એ બોસ તરફથી કોઈ ‘એકશન’ લેવાય એની રાહ જોતી રહી. પણ એના આશ્ચર્ય વચ્ચે કશું જ ન બન્યું.
બીજા દિવસે પણ કશું જ ન બન્યું અને એ પછી પણ દિવસો પસાર થતા ગયા. અનિકેત આખી વાત જાણે ગળી ગયો હતો. અલકની નોકરીનો પ્રથમ મહિનો પૂરો થયો. પગારની તારીખ આવી પહોંચી. બધાં જ કર્મચારીઓ મુનીમ પાસે જઈને પોતપોતાનો પગાર લઈ આવ્યા. અલક પણ ગઈ. મુનીમે એને કહ્યું : ‘બેટી, તને અનિકેત શેઠે પોતાની ઑફિસમાં બોલાવી છે. એ તને કશુંક આપવા માંગે છે. તારો પગાર પણ આજે શેઠ સાહેબ જાતે જ આપશે.’ અલક સમસમી ગઈ. તો આમ વાત છે ! શિકારીએ ભાથામાંથી કોઈ નવું તીર બહાર કાઢ્યું છે ! એ ધીમા, મક્ક્મ પગલે અનિકેતની કેબીન તરફ ચાલવા લાગી. મનની આસપાસ એક મજબૂત કિલ્લેબંધી રચી દીધી.
‘મે આઈ કમ ઈન સર?’ એણે દાખલ થતાં પહેલાં પૂછ્યું.
‘યસ, મિસ અલક ! પ્લીઝ કમ ઈન ઍન્ડ ટેઈક યોર સીટ હીયર….’ પણ અનિકેત આગળ ન બોલી શક્યો. અગાઉનો પ્રસંગ એને યાદ આવી ગયો. એણે અલકના હાથમાં પગારની પૂરી રકમ મૂકી અને ટેબલ પર પડેલું એક આકર્ષક બોક્સ ચીંધ્યું : ‘મિસ, અલક, આ સાડી તમારે લઈ જવાની છે, મારા તરફથી તમારા….’
બસ થઈ ગયું. અલકની ધીરજની હવે હદ આવી ગઈ. એનો જુવાન બોસ એને સાડી ભેટમાં આપીને ખરીદવાની કોશિશ કરી રહ્યો હતો. એ ક્રોધથી તમતમી ગઈ. ફૂંફાડો મારતી હોય એમ એ બોલી : ‘આ સાડી ઘરે જઈને તમારા માતુશ્રીને પહેરાવજો, મી. અનિકેત ! અને હું જાઉં છું. કાલથી બીજી કોઈ છોકરીને નોકરી માટે શોધી લેજો. અને મારી સલાહ માનો તો હવે તમારે પરણી જવાની જરૂર છે, સમજ્યા? એ આવેશની મારી વધુ કાંઈ બોલી ન શકી. એનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. ચક્કર જેવું લાગ્યું એટલે એ ખુરશીમાં બેસી પડી. એના કાને કોઈનો અવાજ પડી રહ્યો હતો. એણે બંધ આંખે એ શબ્દો પકડવાનો પ્રયત્ન કર્યો. એ અવાજ અનિકેતનો હતો. એ અલકને જ ઉદ્દેશીને કહી રહ્યો હતો, અકલ સાંભળી રહી.
‘મિસ અલક, તમે નોકરી છોડીને જાવ એ પહેલાં હું તમને ત્રણ-ચાર વાત કહેવા માંગુ છું. સૌથી પહેલા વાત એ છે કે તમારી બહેનપણી મીનાને મેં એની ખરાબ ચાલચલગતને કારણે નોકરીમાંથી કાઢી મૂકી છે. એ જાતે રાજીનામું આપીને જતી નથી રહી. જતાં જતાં એ મને ધમકી આપી ગઈ છે કે કોઈપણ યુવતીને મારી કંપનીમાં ટકવા નહીં દે. બીજી વાત તમારી જાણ માટે કે હું એક યુવાન, કુંવારો પુરુષ હોવાથી મારા ચારિત્ર્ય વિષે કોઈ ગેરસમજ ન ફેલાય એટલા માટે મારી ઑફિસમાં હું હંમેશા આપણા વૃદ્ધ મેનેજરને હાજર રાખું છું. જે દિવસે રિસેસમાં તમે મને ધમકાવીને ગયા એ દિવસે પણ એ હાજર હતા. આજે પણ એ ત્યાં જ પેલા દૂરના ખૂણે મૂકેલા એમના ટેબલ ખુરશી પર કામ કરી રહ્યા છે. એ દિવસે ખરેખર હું તમને કંપનીની અતિશય ખાનગી વાત સોંપવા જતો હતો, કારણ કે માત્ર એક જ અઠવાડિયાની નોકરીમાં તમે મને વિશ્વાસપાત્ર વ્યક્તિ જણાયા હતા. તમે કરેલા અપમાન પછી હું તમને બરતરફ કરવા જ જતો હતો, પણ અચાનક મને ‘ઈન્ટરવ્યૂ’ વખતે વાંચેલો તમારો બાયોડેટા યાદ આવી ગયો, તમારા વૃદ્ધ બાની દયા ખાઈને હું ચૂપ રહ્યો.’
ત્રીજી વાત પણ તમને જણાવી દઉં – મારી કંપનીમાં એક શિરસ્તો છે કે નવા કર્મચારીને એના પ્રથમ પગાર સાથે કોઈ આકર્ષક ભેટ પણ આપવી. તમારા માટે સાડી લાવવાની તો મારી હિંમત ન ચાલી, એટલે તમારા વિધવા બા માટે એક સરસ, શ્વેત સાડી આ ખોખામાં હું લાવ્યો હતો. અને છેલ્લે ચોથી વાત – જે ખાસ અગત્યની નથી – તમને કદાચ ખબર નથી કે આપણે બન્ને એક જ જ્ઞાતિના છીએ. અને તમારા બાના કહેવાથી મુંબઈમાં રહેતા તમારા સગ્ગા કાકાએ તમારા માટે મારો હાથ માંગ્યો છે. હું તેમને હા પણ પાડી ચૂક્યો છું. દડો હવે તમારા મેદાનમાં છે. નોકરીની વાત છોડો. આ સંબંધ માટે તમારું રાજીનામું છે કે નારાજીનામું ?
અલકના કાનમાં મીઠી શરણાઈ વાગી રહી. અનિકેતની નજરનો સામનો કરવો એના માટે બહુ અઘરું હતું. આ પુરુષ એને ગમતો હતો. અલક જાત તો જાળવી શકે, પણ મન જાળવવાનું શું?
એ સાડીનું પેકેટ લઈને શરમાતી ચાલે ઑફિસની બહાર નીકળી. બધું જ હવે એને બદલાયેલું લાગતું હતું.

દાદાની દોસ્ત – જયવદન પટેલ

બસ આવી ત્યાં સુધીમાં તો એ છોકરીએ કેટલી બધી સૂચનાઓ આપી દીધી હતી : ‘દાદાજી, સવાર-સાંજ અને જમ્યા પછી રોજ ગોળીઓ લેજો. રાત્રે સુતા પહેલાં આંખમાં દવાના ટીંપા નાખવાનું ભૂલતાં નહીં. ડૉકટરે કહ્યું છે રોજ સવારે ફરવા જવાનું યાદ છે ને ? ગરમ પાણીથી નહાજો, હમણાં ઠંડા પાણીથી નહાવાનું નહીં, સમજ્યાને? અને હાં દાદાજી, પહેલી તારીખે ડૉકટર પાસે રીપોર્ટ માટે જવાનું છે, ભૂલતા નહીં. એટલું બોલીને એ એટકી ગઈ હતી. થોડી ક્ષણો મૌનમાં ઓગળી ગઈ હતી અને પછી તે બોલી હતી : ‘દાદાજી, બા પર ગુસ્સો કરતા નહીં.’ એ છોકરીનો અવાજ ભીનો થઈ ગયો હતો. એ બોલી હતી : ‘તમને મારા સમ છે, બા પર ગુસ્સો કરો તો.’
ત્યાં તો બસ આવી ગઈ હતી. એણે બસમાં ચડતાં ચડતાં પાછા વળી કહ્યું હતું : ‘જાઉં છું હોં દાદાજી. મારી ચિંતા કરશો નહીં.’ એના ગળે ડૂમો બાઝી ગયો હતો. આંખનાં આંસુથી દેવર્ષિનાં ચશ્માનાં કાચ ભીંજાઈ ગયા હતા. એ એટલું જ બોલી શક્યા હતા : ‘આવજે કિનુ.’ છોકરીના હાથ પર દેવર્ષિની આંખમાં આંસુનું એક ટીપું ચશ્માનાં કાચ વીંધીને સરી પડ્યું હતું.
બસ ઊપડી હતી. છોકરી બસની બારીમાંથી દેવર્ષિની સામે આંખ માંડીને જોઈ રહી હતી. દેવર્ષિની છાતી વીંધીને ગરમલહાય નિ:શ્વાસ બહાર આવી ગયાં હતાં.
એ ઘેર આવ્યા હતા. ઘરમાં આમથી તેમ આંટો માર્યો હતો. બધું જ જાણે સાવ સૂમસામ થઈ ગયું. ગઈકાલ સુધી તો કેવો કલ્રરવ હતો અને આજે? ઘરનો ખૂણે ખૂણો ગમગીન અને ગંભીર હતો.
અંદરના ઓરડામાંથી જાનકી સાડલાના છેડાથી હાથ લૂછતાં-લૂછતાં બહાર આવ્યાં. પૂછ્યું હતું : ‘કિનારાને બસમાં બેસાડીને આવ્યા ને?’
દેવર્ષિએ ચશ્માનાં ભીના કાચ લૂછયાં હતા. ફરી પાછો એક નિ:શ્વાસ છેક ગળા સુધી આવીને પાછો વળી ગયો હતો. એ ખામોશ હતા. એમના કાનમાં એ છોકરીનો અવાજ પડઘાઈ રહ્યો હતો : ‘દાદાજી, બા પર ગુસ્સો કરતા નહીં. તમને મારા સમ છે.’
દેવર્ષિને ઘરમાં જાણે ગૂંગળામણ થતી હતી. એ ઘરની બહાર કંપાઉન્ડમાં વૃક્ષોની નીચે જઈને ઊભા રહ્યા હતા. બધું જ જાણે સૂમસામ હતું. ગુલાબના છોડ પરના એક ફૂલ પર હળવેથી હાથ ફેરવ્યો. એમના કાનમાં અવાજ ગુંજી ઊઠયો : દાદાજી, ગુલાબનું એક ફૂલ મારા વાળમાં પરોવી દો ને – ! દેવર્ષિને લાગ્યું, બધાં જ ફૂલોની ખુશ્બૂ આજે ખોવાઈ ગઈ છે અને ઘરમાંથી જાનકીનો સાદ સંભળાયો હતો : ‘અરે સાંભળો છો ! ચા ઠંડી થઈ રહી છે.’ એક આછા નિ:શ્વાસ સાથે એ ઘરમાં ગયા હતા.

જાનકીએ કહ્યું હતું : બાજુના ઘરમાં અમરત કામ કરે છે એની સાથે આપના ઘર-કામનું નક્કી કરી દીધું છે. એ છોકરી કિનુ ગઈ તો ગઈ. કૂકડી હશે તો જ વહાણું વાશે? દેવર્ષિએ જાનકી સામે જોયું હતું. આ સ્ત્રીને મારે કહેવું શું? અરે ભલી બાઈ, કૂકડી ન હોય તો ય વહાણું તો વાશે, કૂકડીના અવાજ સાથે સવારના સંબંધની પણ એક મધુરતા હોય છે, એ શી રીતે સમજાવું તને?
દેવર્ષિ ટેલિફોનની બાજુની ખુરશીમાં જઈ બેઠા હતા. જાનકી બોલી ઊઠ્યા હતા : ‘કિનુના પહોંચી ગયાના ફોનની રાહ જુઓ છો ને ! એ છોકરી કંઈ નાની અમથી કીકલી નથી, કે આમ આટલી ચિંતા કરો છો ! એ તે વળી આપણી કોણ છે કે એને માટે આટલો જીવ બાળો છો?
દેવર્ષિના હોઠ સુધી શબ્દો આવી ગયા હતા : ‘જાનકી, તમે મને પૂછો છો, એ છોકરી આપણી કોણ થાય છે? તમને શી રીતે સમજાવું? કોઈવાર કશું પણ સગપણ ન હોય તોય એ માણસ બિલકુલ પોતાનું લાગે છે.’
દેવર્ષિ શહેરની એક કૉલેજમાં અધ્યાપક હતા. બે-અઢી વરસ પહેલાં જ નિવૃત થયા હતા. નિવૃતિનો એમને એવો તો આઘાત લાગી ગયો હતો કે હૃદયરોગનો હુમલો આવી ગયો હતો, પણ એ બચી ગયા હતા.
એમનાં પત્ની જાનકી એમનેય સાઈઠ-બાસઠ વરસ થયાં હતાં. પગે વાની તકલીફ હતી. દીકરો હતો એ તો અમેરિકા જઈને સૅટલ થઈ ગયો હતો. દીકરો આલાપ અને દીકરાની પત્ની આરોહી અવાર-નવાર પત્ર લખીને કહેતાં હતાં : ‘મમ્મી-પપ્પા, હવે તો તમારી ઉંમર થઈ. તમે બન્ને અહીં અમેરિકા અમારી સાથે આવીને રહો.’ પણ દેવર્ષિ અને જાનકીનું મન માનતું ન હતું. કાયમ માટે અમેરિકા રહેવું અમને ગમે નહીં.
ત્યારે આરોહીએ ફોન પર વાત કરી હતી : ‘તમે બન્ને હવે તો ઢળતી ઉંમરનાં કહેવાય. પપ્પાજી હૃદયરોગના દરદી છે અને મમ્મી તમે વાનાં દરદી છો. ઘરમાં નાનુંમોટું કામ કરે અને ચોવીસે કલાક તમારી સાથે રહે એવી કોઈ બાઈ કે છોકરી મળે તો રાખી લો. તમને બન્નેને રાહત રહેશે અને તમને કંપની મળી રહેશે.’
દેવર્ષિએ જવાબમાં કહ્યું હતું : ‘પણ તારી મમ્મી માને તો ને ! હું તો ક્યારનોય કહ્યા કરું છું, એને ગળે મારી વાત ઊતરતી જ નથી.’ આરોહી એ જાનકીને વાત સમજાવી હતી : ‘મમ્મી, આવડા મોટા ઘરમાં તમે બન્ને એકલાં રહો છો એની અમને પણ ખૂબ ચિંતા રહે છે. તમારી સાથે કોઈ માણસ હોય તો તમારા બન્નેની સંભાળ રાખે – સાજા-માંદે એ તમારી સેવા કરે. તમને વાતનો વિસામો મળે.’ વહુની વાત છેવટે જાનકીએ માની લીધી હતી.
એ દરમિયાન બન્યું એવું કે દેવર્ષિના એક જૂના મિત્ર ગોપાલ પટેલ ગામડેથી શહેરમાં કોઈ કામ માટે આવ્યા હતા. દેવર્ષિને એમનો ભેટો થઈ ગયો હતો. બન્ને જુના ભાઈબંધ. હરખભેર એકબીજાને ભેટી પડ્યા હતા. દેવર્ષિ આગ્રહ કરીને એમને ઘેર તેડી લાવ્યા હતા. બન્ને દોસ્તાએ જૂની યાદો તાજી કરી હતી. જૂનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. દેવર્ષિએ વાતમાંથી વાત નીકળતાં કહ્યું હતું : ‘હવે તો અમારા બન્નેની ઉંમર થઈ. કોઈ બાઈ કે છોકરી અમારી સાથે રહે. કામ કરે. ઘરમાં વસ્તીએ જેવું લાગે, એની શોધમાં છીએ.’
ત્યારે ગોપાલ પટેલ બોલી ઊઠ્યા હતા : ‘મારી એક દીકરી છે કિનારા. બારમું ધોરણ પાસ છે. અઢાર-ઓગણીસ વરસની છે. હજુ તો લગ્નની બે-ત્રણ વરસની વાર છે. તમે કહો તો હું એને મોકલી આપું. શહેરમાં રહેશે તો એનેય શહેરના સંસ્કાર મળશે – શહેરની રીતભાત શીખશે. તમારું ઘર હોય પછી અમનેય ઉચાટ ન હોય – ’
દેવર્ષિ તો ખુશ ખુશ થઈ ગયા હતા : ‘અરે જાનકી, આ તો ઘેર બેઠાં ગંગા આવી ગઈ. ગોપાલ પટેલની દીકરી હોય પછી તો કહેવાપણું પણ શું હોય?’
અને ગોપાલ પટેલે ગામડે જઈને દીકરી કિનારાને શહેરમાં દેવર્ષિને ઘેર મોકલી આપી હતી.
નમણી અને નાજુક કિનારા સીધી, સરલ અને સાવ ભલી, છોકરી. લજામણીના છોડ જેવી શરમાળ. છતાંય હસમુખી અને ચબરાક છોકરી. દેવર્ષિને એ છોકરી જોતાંવેંત જ ગમી ગઈ હતી, એ બોલી ઊઠ્યા હતા : જાનકી આપણને જેવી જોઈતી હતી એવી જ છોકરી મળી ગઈ છે.’
ચાર-છ દિવસમાં તો એ છોકરી કિનાર દેવર્ષિ અને જાનકી સાથે બિલકુલ હળી-ભળી ગઈ હતી. ઘરનાં નાનામોટાં કામની માહિતી પણ એણે મેળવી લીધી હતી. દેવર્ષિ અને જાનકીના સ્વભાવ, ગમા-અણગમાને પણ એ બરાબર સમજી ગઈ હતી. દેવર્ષિને એ દાદાજી કહીને સંબોધતી હતી અને જાનકીને એ બા કહીને બોલાવતી હતી.
દેવર્ષિ કોઈ વાર હસતાં હસતાં કહે : ‘કિનુ, આમ તો મારી વય બાસઠ-ત્રેસઠની છે. કોઈ ભૂલેચૂકેય મને દાદા કહે તો મને ગુસ્સો આવી જતો હતો. પણ તું મને દાદાજી કહે છે ત્યારે મને ગમે છે અને તું ખૂબ ખૂબ વહાલી લાગે છે.’
ઘરનું નાનું-મોટું કામ તો એ રમતાં રમતાં કરી નાખતી હતી અને પછી જાનકીની સાથે વાતો કરતી હતી : ‘બા, લાવો તમારા પગે મલમ લગાવી દઉં. બા, લાવો તમારું માથું ઓળી દઉં. બા, તમારા માથાના વાળ હું કાલે ધોઈ આપીશ હાં – બા, હવેથી દાદાજીનાં કપડાંને હું ઈસ્ત્રી કરી આપીશ હોં. – જાનકી તો ખુશ ખુશ થઈ જતાં.
કિનારા દેવર્ષિની પાસે બેસે. તરેહ તરેહના પ્રશ્નો પૂછે. દેવર્ષિ પણ કિનારાની વાતોમાં, પ્રશ્નોમાં રસ લે. અને કિનારા કહે : દાદાજી, તમે કહો છો, તો હું રોજ સાંજે તમને એક ભજન સંભળાવીશ. પણ દાદાજી, મારી એક શરત. તમારે મને અંગ્રેજી શીખવવું પડશે.’
કિનારા ઘરનું રોજેરોજનું કામ પતાવી, દેવર્ષિના ઓરડાને વ્યવસ્થિત કરે. આમથી તેમે અસ્ત-વ્યસ્ત પુસ્તકોને સરખાં ગોઠવી દે. કામ કરતી જાય અને ઝીણા મધુર અવાજે કોઈ ગીત ગાતી જાય. દેવર્ષિને જુએ અને શરમાઈ જાય. દેવર્ષિ હસીને કહે : ‘કિનું, કોયલે તારા ગળામાં માળો બાંધી દીધો લાગે છે. તું ગાય છે અને ઘરમાં સુગંધ-સુગંધ છવાઈ જાય છે.’
કોઈ કોઈ વાર જાનકીની સાથે પણ ઘરનું કામ કરતાં કરતાં વાતો કરે : ‘બા, તમારે ઘરે આવીને હું કેટલું કેટલું નવું નવું શીખી છું. અમારા ગામ તો હું રોજ સવારે મનમાં આવે ત્યારે ઊઠતી. અહીં તો તમે મને વહેલા ઊઠી જવાની ટેવ પાડી દીધી છે. તમે તો મને રસોઈ કરતાં શીખવી દીધું છે. કપડાંને બટન ટાંકતાં શીખવીએ દીધું છે. બજારમાંથી ખરીદી કરતાં શીખવ્યું છે.’
કિનારા ઘરમાં આવી છે ત્યારથે દેવર્ષિને તો જાણે સરસ મઝાની ઢીંગલી મળી ગઈ છે. અને કિનારા પણ દેવર્ષિ સાથે વધારે હળી-મળી ગઈ હતી. કિનારા જરા નવરી પડે અને દેવર્ષિ સાદ દઈને બોલાવે : ‘કિનુ, અહીં હીંચકા પર મારી બાજુમાં આવીને બેસ તને એક સુંદર અંગ્રેજી કવિતા વાંચી સંભળાવું.’ કોઈ કોઈ વાર એવું પણ કહે : ‘કિનુ, ચાલ મારી સાથે આપણે બજારમાં આંટો મારી આવીએ.’ દેવર્ષિને કિનારાની સોબત ગમતી હતી.
કિનારા પણ દેવર્ષિની ખૂબ નજીક આવતી જતી હતી. વહેલી સવારે દેવર્ષિની સાથે ફરવા જતી હતી. ફરીને આવ્યા પછી દેવર્ષિની સાથે ફૂલછોડના ક્યારા સરખા કરતી હતી. નવા નવા છોડ વાવતી હતી. છોડને પાણી પાતી હતી. ઘરની સફાઈ કરી દેતી હતી. દેવર્ષિને માટે ઓછી ખાંડની ચા બનાવી દેતી હતી. જાનકી પણ કહેતાં હતાં : ‘આ છોકરી આવી છે અને હું તો હળવી ફૂલ થઈ ગઈ છું.’
પણ દિવસો પસાર થતા ગયા, અને કિનારા સાથે નો જાનકીનો વ્યવહાર બદલાતો ગયો. કિનારાને દેવર્ષિ અંગ્રેજી શીખવતા હોય કે કિનારા દેવર્ષિની સાથે હસીને વાત કરતી હોય, જાનકીની નજર પડે એટલે તરત જ બૂમ પાડે : ‘કિનુ, અહીં આવ તો. આ રસોડાનાં વાસણ સરખાં ગોઠવી દે. નવરી પડી નથી અને દાદાજીની સાથે વાતે વળગી નથી.’
કિનારા કોઈ કોઈ વાર તો રમતિયાળ બની જતી હતી : ‘દાદાજી, ચાલો ને આપણે સંતાકૂકડી રમીએ. હું સંતાઈ જાઉં, તમે મને શોધી કાઢજો હોં’ કોઈવાર દેવર્ષિ પણ કહે : ચાલ કિનારા આપણે પત્તાં રમીએ. કોઈ કોઈ રાતે તો દેવર્ષિ અને કિનારા અંતકડી રમવા લાગી જાય. જાનકી ગુસ્સામાં આવી જઈ ને કહે : ‘આ છોકરી ઘરમાં આવી છે અને તમે ય સાવ નાના છોકરા જેવા બની ગયા છો. તમારી તો ઉંમર થઈ છે. તમને તો એટલુંય ભાન નથી.’
અને એક દિવસની વાત છે. દેવર્ષિને માથું દુ:ખતું હતું. કિનારા એમના કપાળે બામ ઘસતી હતી. નજર પડતાં જ જાનકી દોડી આવ્યાં હતાં. કિનારાના હાથમાંથી બામની શીશી ઝૂંટવી લીધી હતી અને કહ્યું હતું : ‘બામ લગાડનારી હું બેઠી છું હાં છોકરી’ કિનારાને એ શબ્દો એવા તો છાતીમાં વાગી ગયા હતા કે એ અંદરના રૂમમાં જઈને રોઈ પડી હતી.
એ પછીના બીજા એક દિવસે દેવર્ષિ તૈયાર થઈને બહાર આવ્યા હતા, એમણે કહ્યું હતું : ‘કિનુ, હું એક મિટિંગમાં જાઉં છું.’ અને બગીચામાં કામ કરતી કિનારા ગુલાબનું એક ફૂલ લઈને આવી હતી. દેવર્ષિના પહેરણના ગાજમાં ફૂલ પરોવી દીધું હતું. જાનકી એ જોઈ ગયાં હતાં. દેવર્ષિના ગયા પછી એમણે કિનારાને તતડાવી નાખી હતી : ‘મારી એક વાત બરાબર સમજી લે કિનુ, આવા બધા ચાળા મને જરાય પસંદ નથી. ગઈકાલે તું એમને પગના મોજા પહેરાવતી હતી. હું જોઈ ગઈ હતી પણ કશું બોલી ન હતી. તું તો નાદાન છે. અને તેં તો એમનેય નાદન બનાવી દીધા છે. મારા ઘરમાં આ બધું નહી ચાલે’ કિનારાના કાળજા પર તો જાણે ધગધગતા અંગારા ચંપાઈ ગયા હતા. જાનકીએ વધુમાં સૂચના આપી દીધી હતી : ‘એમની પથારીની ચાદર તારે સરખી કરવાની નહીં ! હું બેઠી છું એમની ચાર સરખી કરવાવાળી. એમની થાળી તારે હાથે પીસસવાની નહીં, હું બેઠી છું એમને પીસરનારી. અને રોજ સવારે એમની સાથે તારે ફરવા જવાનું નહીં સમજી ગઈ ને તું? કિનારાએ તો બન્ને કાને હાથ દઈ દીધા હતા. એ વધુ સાંભળી શકી ન હતી.
એ ઊંડા વિચારમાં પડી ગઈ હતી. મનોમન થયું હતું બાને વાત કાંઈ ખોટી નથી. દાદાજી, સાવ નાના છોકરા જેવા થઈ ગયા છે.આ તે કાંઈ સારું લાગે ? ગઈ કાલે તો એ મને કહે, ‘કિનુ તું તો મારી દોસ્ત બની ગઈ છે. – મારી દોસ્ત દીકરી.’ ગાંડપણ નહીં તો બીજું શું? આ ઉંમરે એમને શું આ બધું સારું લાગે છે?’
કિનારાએ તો એ દિવસ પછી દેવર્ષિની સાથે હસવું-બોલવું ઓછું કરી નાખ્યું હતું. દેવર્ષિ મનમાં બધું જ સમજી ગયા હતા. એ દિવસથી એ જાનકી સાથે ખૂબ નારાજ રહેતા હતા. અવારનવાર ગુસ્સો પણ કરતા હતા. એક નાની બાબતમાં એ જાનકી સાથે તકરાર કરી બેઠા હતા. જાનકી પણ ગુસ્સામાં આવી બોલી ગયાં હતાં : ‘એ છોકરી માટે તમને આટલો જીવ કેમ બળે છે?’ અને કિનારાએ સાંભળી ગઈ હતી. બીજા દિવસની સવારે એણે પોતાની બૅગ તૈયાર કરી કહ્યું હતું : ‘દાદાજી, મને બસમાં બેસાડી દો. મારે મારા ગામ જવું છે.’ અને દેવર્ષિને તો ચોટ લાગી ગઈ હતી. એ કશું જ બોલ્યા વિના તૈયાર થઈ ગયા હતા. કિનારા જતા પહેલાં જાનકીને પગે લાગી હતી : ‘બા, બોલ્યું-ચાલ્યું માફ કરજો.’
દેવર્ષિ કિનારાને બસમાં બેસાડી આવ્યા હતા પણ એમને હવે ઘર સૂનું સૂનું લાગતું હતું. એ દિવસથી એ હસવાનું પણ ભૂલી ગયા હતા. જાણે કોઈ પોતાની પાસેની એક કીમતી ચીજ છીનવી લીધી હતી.
જાનકી પતિના ઉદાસ ચહેરા સામે જોઈ રહેતાં હતાં. એક સાંજે ફૂલછોડ પાસે દેવર્ષિને બેઠેલા જોયા. એવા તો શોકમગ્ન હતા કે જાનકી વિચારમાં પડી ગયાં હતાં. એક દિવસ દેવર્ષિને એમના કોઈ મિત્ર સાથે વાત કરતાં જાનકીએ સાંભળી લીધા : ‘જાનકી આવી સાવ સાધારણ સ્ત્રી જેવી હશે એની તો મને ખબર જ ન હતી’ એ શબ્દો સાંભળ્યા અને જાનકીની આંખમાં આંસુ આવી ગયા હતાં.
ત્રીજે કે ચોથે દિવસની એક સાંજે કિનારા પાછી આવી ગઈ હતી. એને આવતી જોતાં જ જાનકી દોડી ગયાં હતાં. અને ભેટી પડ્યાં હતાં : ‘તું આવી ગઈ દીકરી’ કિનારા ગદ્દગદ્દ અવાજે બોલી હતી : ‘બા, તમારો કાગળ આવે અને હું ન આવું એવું તે કદી બને?’ જાનકીએ તો ટહુકો કર્યો હતો : ‘અરે સાંભળો છો ? બહાર આવો જોઈએ. જુઓ તો કોણ આવ્યું છે? તમારી દોસ્ત – દીકરી આવી છે !’
નજીકના એક મંદિરની સાંજની આરતીનાં ઘડિયાળાં રણઝળી ઊઠયાં હતાં.

ઓનલાઈન રીઝલ્ટ – મૃગેશ શાહ

‘હું હમણાં લગ્ન કરવાની નથી’ કહેતાં પ્રાચી ચાનો કપ લઈને ઘરની બહાર બગીચાની લૉન પર હિંચકે આવી ને બેસી ગઈ.
    ‘જો બેટા, મારી વાત સાંભળ…’
    ‘ના મમ્મી, આજે નહીં. આજે તું મારો મુડ ખરાબ ન કરીશ, પ્લીઝ.’
    કપ મૂકીને પ્રાચીએ સામે ટિપોય પર પડેલ અખબાર લીધું અને પગથી હિંચકાને ઠેસ મારી. મમ્મીની એકેય વાત સાંભળવાનું આજે તેનું મન નહોતું. બપોરે બે વાગ્યે સી.એ. ફાઈનલની પરિક્ષાનું પરિણામ હતું જેનું ગ્રહણ પ્રાચીના મન પર સવારથી લાગી ગયું હતું.
    ‘હું તો એમ કહેતી હતી કે જો તું આ વખતે પાસ થઈ જઈશ તો હું તને પરણાવ્યા વગર છોડવાની નથી.’
    ‘છેલ્લાં એક વર્ષથી તારું આ વાક્ય સાંભળું છું પણ એ બાબતમાં રીઝલ્ટ હાથમાં આવ્યા સિવાય હું કશું કહી ના શકું. જ્યાં સુધી મારું સી.એ બનવાનું ધ્યેય પુરું નહીં થાય ત્યાં સુધી હું લગ્ન કરવાની નથી.’ સંક્ષિપ્ત સમાચારોની કોલમ વાંચીને પ્રાચીએ અખબારનું પાનું ફેરવ્યું.
    ‘મને તો તારી મહેનત જોઈને આશા છે કે આ વખતે કંઈક સારું થશે’
    ‘મેં તો હવે આશા રાખવાનું જ છોડી દીધું છે. બસ, મહેનત કરીને પરિક્ષા આપવાની, પછી જે થવું હોય તે થાય. તેં જોયુંને મમ્મી – અપેક્ષા, સપના અને અપર્ણા…ત્રણેય ગયા વર્ષે પાસ થઈને કેવા નોકરીએ લાગી ગયા ! અને હું….’ કહેતાં એકદમ પ્રાચીની આંખોના ખૂણા ભીનાં થઈ ગયા રક્ષીતાબહેનના ખભે તેનું માથું ઢળી ગયું.
    ‘તારી વાત સાચી છે, બેટા. પણ, સી.એ બનવું કાંઈ સહેલી વાત થોડી છે? આપણે તો મહેનત કરીએ બીજુ શું ?’ રક્ષીતાબહેને તેના માથે હાથ ફેરવ્યો.
    ‘એટલે તો તને કહું છું કે હમણાં લગ્નની વાતો મારી સાથે ના કરીશ.’
    ‘પણ પ્રાચી.., આપણે સૌમિલના માતા-પિતાને શું કહીશું? એ તો છોડ, આપણા સગાંવ્હાલાં પૂછશે કે વિવાહને એક વર્ષ થયું હવે લગ્ન કયારે લો છો ? – તો આપણે શું જવાબ આપીશું?
    ‘બધા સગાં જાણે છે ને મમ્મી, કે હું સી.એ ના છેલ્લા વર્ષમાં છું, પછી એમને શું તકલીફ છે? સૌમિલ મારી સાથે છે. એણે મને કૅરિયર બનાવવાની પૂરેપૂરી સ્વતંત્રતા આપી છે. હવે આ છેલ્લી પરિક્ષામાં નીકળતા થોડી તકલીફ થાય એમાં મારે કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દેવાનું ?’
    ‘હું તને એમ નથી કહેતી. મારા મનમાં એક જ વિચાર ચાલે છે કે છેલ્લા છ મહિનાથી સૌમિલના પપ્પાની પુના ટ્રાન્સફર થઈ ત્યારથી તેના મમ્મીને પુના જવું પડ્યું. સૌમિલ નોકરીના કારણે મુંબઈ છોડીને જઈ શકયો નહીં. આ બધાના પરિણામે અત્યારે એણે એકલા ઘરનું બધું કામ કરવું પડે છે. એ તો પાછું મુંબઈ છે, આપણી જેમ કાંઈ અમદાવાદ થોડું છે ? તું યોગ્ય સમયે ત્યાં સૅટલ થઈ જાય તો એને કેટલી રાહત થાય.’
    ‘હા મમ્મી, હું સમજું છું. ભગવાન કરેને આ વખતે પાસ થઈ જવાય એટલે હાશ…પછી તુ જે કહે એમ કરવા તૈયાર છું. પ્રોમિસ. બસ ?’
    ‘ઓકે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર રિઝલ્ટ. તું હવે ફ્રેશ થઈ જા, હું નાસ્તો બનાવવા અંદર જાઉં છું.’
    આજે ભાવિમાં શું લખાયું હશે એ સમજાતું નહોતું. અખબાર એકબાજુએ મૂકીને પ્રાચીએ ઘાસની લૉન પર આંટા મારવાનું શરૂ કર્યું. ક્યારેક એને કમ્પાઉન્ડ વૉલ પર મોર્નિંગ વોક કરવા નીકળી હોય એમ ચાલતી કાબરને જોઈને થોડી પ્રસન્ન મળી તો ક્યારેક કરમાઈ ગયેલા ગુલાબના છોડને જોઈને તેનું મન વિષાદથી ઘેરાઈ ગયું. ખૂણામાં નવા ઉગેલા ચંપાના છોડને જોવામાં એ થોડી તલ્લીન થઈ ત્યાં તો અંદરના રૂમમાંથી ફોનની રીંગ નો અવાજ સંભળાયો…
    કોનો ફોન હશે ? એષાનો ફોન તો નહીં હોય ને ? ઈન્ટરનેટ પર રીઝલ્ટ મુકાઈ ગયું હશે…?? એ કહેવા જ કદાચ એણે ફોન કર્યો હશે….. કોઈ ભરોસો નહી, ઘણીવાર રીઝલ્ટ સવારમાં પણ આવી જાય છે…. – પ્રાચીનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.
    ‘દીદી, જીજાજીનો ફોન છે’ નિયતિ એ અંદરથી બૂમ પાડી.
    થેંક ગોડ. મનમાં હાશ થઈ. ‘આવું છું…’ કહી પ્રાચીએ રૂમમાં જઈ ફોન લીધો.
    ‘શું મેડમ? બી.પી કેટલું છે આજે ?’
    ‘મેં તમને કાલે ના પાડી હતી ને કે મને બે વાગ્યા સુધી ફોન ના કરશો. ફોનની રીંગ સંભળાયને મને કંઈક કંઈક થવા માંડે છે. સવારમાં એક તો મમ્મી પાછળ પડી જાય છે અને પાછા હવે તમે…. કોઈ મને શાંતિથી જીવવા જ નથી દેતું’ પ્રાચીએ મીઠો આક્રોશ વ્યકત કર્યો.
    ‘તમને તો અમદાવાદમાં રહીને પણ શાંતિ નથી, પછી મુંબઈ આવશો તો શું થશે? તમારા કલાયન્ટસ્ કહેશે કે આ મેડમ તો ચોવીસેય કલાક ટેન્શનમાં જ રહે છે.’
    ‘પહેલા સી.એ તો થવા દો. સી.એ. બનીશું તો કલાયન્ટસ્ મળશે ને !?!’
    ‘એ તો તમે થઈ ગયા સમજો.’
    ‘એમ? તમે જ્યોતિષી છો ? એમ.બી.એ. વાળાને સી.એ ની શું ખબર પડે ?’
    ‘ઓહોહો…જાણે અમે તો કાંઈ કર્યું જ નથી. વાધનો શિકાર તો તમને એકલાને જ કરતા આવડે છે.’
    ‘એ તો છે જ ને ! દશ વાગી ગયા છે. ચલો, હવે મને ફ્રેશ થવા જવા દો. મમ્મી નાસ્તો લઈને આવતી હશે. હું રીઝલ્ટ આવે એટલે ફોન કરું છું.’
    ‘ઓકે. હું ખુશખબરની આશા રાખું છું. જેવું નૅટ પર આવે કે તુરંત ફોન કરજે.’
    ‘ઓફ કોર્સ. સહુથી પહેલા.’
    બપોરનો એક વાગ્યો હતો. પ્રાચીએ કૉમ્પ્યુટર ઑન કર્યું. ઈન્ટરનેટ ચાલુ કરીને ધડકતા હૈયે રીઝલ્ટની વેબસાઈટ જોઈ…… પણ, હજી એક જ મૅસેજ આવતો હતો – Result will be announced approximately at 2.00 PM.
    ‘હજી નથી આવ્યું…., મમ્મી’
    ‘આવશે…આવશે. હજી બે ક્યાં વાગ્યા છે ?’
    ‘ઘણીવાર તો બે કલાક વહેલું આવી જાય છે’
    ‘આ વખતે પ્રાચીને પાસ કરવાનીને છે ને એટલે એ લોકો વાર લગાડે છે.’
    ‘જાવ અવે મમ્મી, તમે બી શું…. મને નાના-બાળકો જેવું સમજાવો છો.’
    ‘ધીરજના ફળ મીઠાં.. ભગવાન જે કરશે એ સારું કરશે.’
    ‘હં.’
    એક એક ક્ષણ પસાર કરવી મુશ્કેલ હતી. ઈ-મેઈલ ચેક કરીને એષા જોડે ફોન પર થોડીવાર ગપ્પા માર્યાં. બંન્નેની દશા એક સરખી હતી. શું થશે આજે ? મામી, ફોઈ અને કાકાનો બેસ્ટ લકનો ફોન પણ આવી ગયો. આજે તેની પર જાણે ચારેબાજુથી કેમેરા ગોઠવાયેલા હતા. એક વર્ષથી સતત આ ઘટમાળ ચાલી રહી હતી. અડધો કલાક જેમતેમ કરતાં વીત્યો. ફરી…વેબસાઈટ જોઈ, હજી તેમાં કોઈ ફેરફાર નહોતો થયો.
    ઘડિયાળમાં બે ના ટકોરા પડ્યા. પ્રાચીની નજર સતત રીઝલ્ટની વેબસાઈટ તરફ હતી. ચારથી પાંચ વાર તે પેજ રીફ્રેશ કરી ચુકી હતી. એટલામાં મેસેન્જરની એક ‘વિન્ડો’ ખુલી.. પ્રાચી એકદમ ઝબકી ગઈ… એણે એકદમ મમ્મીને બૂમ મારી….
    ‘મમ્મી…., પપ્પા ‘ઓનલાઈન’ છે. એમનો મેસેજ છે.’
    ‘સરસ…. શું લખે છે ?’ રક્ષીતાબહેને ખુરશી ખેંચીને પ્રાચીની જોડે બેસતા પૂછયું.
    ‘પપ્પા લખે છે કે વ્હોટ એબાઉટ રીઝલ્ટ ? – રીઝલ્ટનું શું થયું ?’
    ‘લખ ને… કે હજી નથી આવ્યું. અને પુછ કે દિલ્હીથી પાછા ક્યારે આવવાના છો ?’
    ‘એમણે ‘બેસ્ટ લક’ કહ્યું છે અને લખે છે કે મિટિંગ માટે મોડું થાય છે એટલે પછી ફોનથી વાત કરશે’ એમ કહી પ્રાચીએ ફરીથી રીઝલ્ટની વેબસાઈટ ખોલી.
    ‘ઓકે. આવ્યું કે ?’
    ‘ના. મમ્મી. આ રીઝલ્ટવાળા જોને કેવા હેરાન કરે છે ! આખી રાત તો ઊંધવા નથી દેતા અને હવે દિવસે પરેશાન કરે છે.’
    ‘શાંતિ રાખ….આવશે….આવશે…..’ રક્ષીતાબહેન ઊભા થયા. છાપું લઈને સોફા પર લંબાવ્યું. પ્રાચીની આંખો પણ હવે ઘેરાવા લાગી હતી. આખી રાતનો ઊજાગરો અને ઉપરથી અજંપા ભરેલી આ સ્થિતિ. ખુરશીમાં બેઠા બેઠા એ ઊંઘવા લાગી.
    ઘડિયાળમાં બરાબર ત્રણના ટકોરા પડ્યા, ટેલિફોનની રીંગ વાગી અને બંને જણ ઝબકીને જાગી ગયાં.
    પ્રાચીએ દોડીને ફોન ઉપાડ્યો…એષાનો ફૉન હતો….
    ‘પ્રાચી, રીઝલટ ઈઝ નાવ ઓન નૅટ. તારો નંબર બોલ હું જલ્દીથી ઓનલાઈન જોઈ લઉં….’
    ‘ઓહ માય ગોડ… રીઝલ્ટ તો હું જ જોઈશ. પછી ફોન કરું છું. ચાલ, મુક જલ્દી…’
    બંન્ને જણ ફટાફત કૉમ્પ્યુટર સામે ગોઠવાઈ ગયાં.     વેબસાઈટ ખોલીને પ્રાચીએ ઍક્ઝામ નંબર નાખ્યો…. સાઈટ પર ‘લૉડિંગ’ નો મેસેજ આવ્યો…ધીમે ધીમે પેજ એની સામે આવી રહ્યું હતું….અને પ્રાચીના ધબકારા વધી રહ્યા હતા.
    ‘મમ્મી, પ્લીઝ…. તું જો. મારાથી નહીં જોવાય….’ કહી પ્રાચીએ ભીની આંખોએ મમ્મીના ખભે માથું મુકી દીધું.
    સ્ક્રીન પર આખું પેજ આવી ગયું હતુ. રક્ષિતાબહેને આખું રીઝલ્ટ વાંચીને પ્રાચીને ખભે હાથ મુક્યો…થોડીવાર સુધી કંઈ જવાબ ના આપ્યો. એમના મોં પર ગંભીરતાના ભાવ સ્પષ્ટ જણાતો હતો. પ્રાચી એ ક્ષણોમાં સ્તબ્ધ બની ગઈ હતી. અચાનક તે પ્રાચીને વ્હાલથી બાથ ભરી અને રડી પડ્યાં….
    ‘માય ડીયર પ્રાચી, યુ ગોટ ઈટ. યસ. યુ નાવ આર અ ચાર્ટડ એકાઉન્ટન્ટ….કોન્ગ્રેટ્સ.’
    ‘ઓહ માય ગોડ…મમ્મી. તેં તો મને ગભરાવી જ મુકેલી….’ કહી પ્રાચી રક્ષીતબહેને વળગીને રડી પડી..
    થોડીવાર સુધી ફોન કૉલ્સ ચાલ્યાં, અભિનંદનોની વર્ષા થઈ. હાથમાં પેંડો લઈને ગળ્યું મોં કરાવતી વખતે પ્રાચીએ પૂછયું, ‘મમ્મી એક વાત પૂછું. તેં રીઝલ્ટ તો પૂરેપુરું વાંચી લીધું હતું…. તો પછી તેં થોડીવાર પછી જવાબ કેમ આપ્યો ? હું તો પાસ હતી…છતાં તું રડી પડી ?
    ‘હં. બેટા, હું વિચારતી હતી કે આજે મારી દીકરી કેટલી મોટી થઈ ગઈ. હવે એને વળાવવી પડશે ને ! કાલે સવારે તો એ એના ઘરે જશે… ’
    ‘ઓહ મમ્મી…યુ આર ગ્રેટ…’ કહી પ્રાચી રક્ષીતાબહેનને ફરી ભેટી પડી.
    દરવાજેથી દોડતા આવીને નિયતીએ પ્રાચીને ઊંચકી લીધી..અને બોલી.. ‘હવે તો… બહારો ફુલ બરસાઓ મેરા મહેબુબ આયા હૈ….’ અને પ્રાચીએ શરમાઈને પોતાનું મોં બે હાથથી છુપાવી લીધું.

ભાગ્યની કરવટ – મૃગેશ શાહ

રોજની જેમ નિલેશ બધું કામ પતાવીને બારીની બહાર રસ્તાપર થતી ચહલ-પહલ જોઈ રહ્યો હતો. આજે તે કશાક વિચારોમાં ખોવાયેલો લાગતો હતો.
    પૂરા ત્રણ વર્ષ થયા નિલેશને, સતિષસરના કૉમર્સ કોચિંગ કલાસમાં નોકરી લીધે. સાથે સાથે ગ્રેજ્યુએશન પણ પુરું કર્યું. ભાગ્ય એ કેવી કરવટ બદલી હતી ! ક્યાં સૌરાષ્ટ્રનું એ નાનું ગામડું અને ક્યાં અમદાવાદ ! કાચું મકાન અને ઘરની નબળી આર્થિક હાલત. એવામાં બારમા ધોરણ પછી ભણવાની શક્યતાઓ જ કેટલી ? આ તો બધું પિતાજીના સાહસ અને મને ‘પ્રોફેસર’ બનાવવાના અડગ ઘ્યેયનું પરિણામ. નોકરી અને ભણતર બંને કરીને પગભર થવાની તેમની પહેલેથી જ કડક સુચના. પિતાજીએ કેટલીયે ઓળખાણો કાઢી, ચિઠ્ઠીઓ લખાવી, શહેરોના ઘક્કા કર્યા અને સાહેબોના ઓટલા ઘસ્યા. છેવટે સતિષસરને ત્યાં નોકરી મળી અને સાથે કૉલેજ શરૂ થઈ ત્યારે ઘરમાં બધાને હાશ થઈ.
    ‘સાહેબ…જરા દરવાજો ખોલો તો…’ કોઈ બારણું ખખડાવી રહ્યું હતું.
    ‘હા. એક મિનિટ…ખોલું.’ નિલેશની વિચારધારા તૂટી. ઝટપટ બારી બંધ કરીને તેણે કેબીનનો દરવાજો ખોલ્યો.
    ‘સાહેબ, બાજુના રૂમમાં કચરા-પોતાં થઈ ગયા છે. હવે અહીંયા કરી લઉં કે ?’
    ‘હા. સરને આવવાની હજુ વાર છે. સાફ કરી લે. અને જો આ બધી ખુરશીઓ ખસેડીને તેની નીચેથી ધૂળ કાઢી લે જે. હું ત્યાં સુધી બાજુનો કલાસરૂમ બરાબર વ્યવસ્થિત કરીને આવું છું.’
    ‘હા સાહેબ. એમાં કે’વું ની પડે.’
    સવારના દસ વાગી ગયા હતા. હવે કલાસ શરૂ થવાને અડધો કલાકની વાર હતી. વિદ્યાર્થીઓ ધીમે ધીમે આવવા માંડ્યા હતા. નિલેશે બાજુના ક્લાસ રૂમમાં જઈ એ.સી ઑન કર્યું. ગ્રીન બોર્ડને બરાબર લૂછીને ચોખ્ખું કર્યું. ડસ્ટર અને ચોક વ્યવસ્થિત ગોઠવ્યાં. સ્ટેજ પાસે પડેલી બે-ત્રણ બેન્ચને સરખી કરી તે રૂમની બહાર આવ્યો. એટલામાં દૂરથી સરને આવતા જોયાં એટલે રોજની જેમ નિલેશ તુરંત સરની પાસે પહોંચી ગયો અને તેમના હાથમાંથી પાકીટ ઉંચકી લીધું.
    ‘શું નિલેશ ? સફાઈનું કામ બધું પતી ગયું ?’
    ‘હા સર. કલાસ રૂમ તૈયાર છે, એ.સી મેં ઑન કરી દીધું છે અને કેબીન પણ સાફ કરાવી દીધી છે.’
   ’ઓકે. સરસ. હવે મારી સાથે કેબીનમાં આવ. થોડું કામ છે.’
    ‘યસ સર..’
    નિલેશે આગળ જઈને કેબીનનું બારણું ખોલ્યું. સરનું પાકીટ ટૅબલ પર મુક્યું. કબાટમાંથી ફટાફટ રૂમ-સ્પ્રે કાઢીને છાંટ્યું અને મંદિરના બલ્બની સ્વીચ ઑન કરી. સર કેબીનમાં આવ્યા. મંદિરમાં દિવો કરીને બે-ત્રણ મિનિટ ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા રહ્યા. નિલેશ સરની સુચનાની રાહ જોતો તૈયાર ઊભો રહ્યો. પૂજા પતાવીને હંમેશની જેમ ચૅર પર બેસીને આવેલા કવરો સર જોવા લાગ્યાં. થોડીવારે નિલેશને જોઈને કંઈક યાદ આવતા પાકીટ ખોલ્યું. ચૅકબુક કાઢીને એક ચૅક લખી નિલેશ ને આપ્યો.
    ‘સર, ચૅક ક્યાં ભરવાનો છે ? હમણાં જ જઈ આવું ?’
    ‘બરાબર જો. મેં તારા નામનો લખ્યો છે.’
    ‘અરે ! આટલી મોટી 50,000 રૂપિયાની રકમ ? સર, મને તો આપ નિયમિત પગાર આપો છો તો પછી આ….. ?’
    ‘જો નિલેશ. તું અહીંયા ત્રણ વર્ષથી કામ કરે છે. તું મહેનતુ અને પ્રમાણિક છે. હું તારા ઘરની પરિસ્થિતિ જાણું છું. બે બહેનોના લગ્ન કરાવવાની જવાબદારી તારે માથે છે. વળી, કાચું મકાન તું ક્યાં સુધી રાખીશ ? તું શહેરમાં અહીં આરામથી રહે અને તારા માતા-પિતા કાચા મકાનમાં પડ્યા રહે ? તુ થોડા પૈસા બચાવીને ઘરે મોકલે છે તે મને ખબર છે પણ એટલા પૈસાથી શું થાય ? હું તને કંઈ આ પૈસા તારા પર ઉપકાર કરવાના હેતુથી દાનમાં નથી આપતો. અત્યારે મારે આ પૈસાની જરૂર નથી, તને અત્યંત જરૂર છે. તારા ઘરના પ્રસંગોમાં કે ઘરના રીપેરીંગમાં કામ લાગશે અને એકાદ-વર્ષ પછી તુ જેમ વધારે કમાતો થઈ જઈશ ત્યારે હું તારા પગારમાંથી થોડા-થોડા કરીને કાપી લઈશ. મારે કંઈ તારી પાસે વ્યાજ નથી લેવાનું, સમજ્યો ને ?’
    ‘પણ સર…..’
    ‘પણ-બણ કશું નહીં, તારે આ પૈસા રાખવાના જ છે. ઘરે પિતાજી પૂછે તો કહી દે જે કે સાહેબે આપ્યા છે એટલે રાખવા જ પડશે.’
    ચૅક લેતાં નિલેશની આંખોનાં ખૂણાં ભીના થઈ ગયા અને હૈયુ ગદ્ગગદ થઈ ગયું. ભાગ્ય કેવી કરવટ બદલે છે! – તે વાત ફરીથી મનમાં વિચારી રહ્યો.
    ‘હવે બીજી એક વાત….’ સરે નિલેશ તરફ જોઈને કહ્યું.
    ‘હા..સર…’
    ‘ આજે મારો કલાસ બાર વાગ્યે પૂરો થશે. એ પછી મધુર અને કુમાર કલાસીસવાળા મારા મિત્ર નિરંજનસર અને મેહુલસર મળવા આવવાના છે એટલે અહીં એક જણની મને જરૂર રહેશે. એટલે તું એક કામ કર. સૌથી પહેલા તો આ ગેલેરીમાં ઉભેલા છોકરાઓને અંદર રૂમમાં બેસવાનું કહીને તું થોડીવાર ગેલેરીમાં મારી રાહ જો….હું ત્યાં કલાસરૂમ તરફ જ આવું છું. તને એક-બે બૅન્કના કામ આપી દઉં, એ પછી તું સીધો જમી-કરીને એક વાગ્યે અહીં પાછો આવી જા.’
    ‘ઓકે સર. હું એ લોકોને કલાસરૂમમાં બેસાડીને ત્યાં ઊભો રહુ છું.’
    વિદ્યાર્થીઓને અંદર બેસાડીને ગેલેરીમાં ઉભેલા નિલેશનું ધ્યાન રસ્તા પર થતી ચહલ-પહલ પર સ્થિત થયું અને તે ફરી વિચારોમાં ખોવાઈ ગયો.
    કેટલું બધું શીખ્યો હતો તે સરની સાથે ! ત્રણ વર્ષમાં તેને કોચિંગ કલાસની તમામ બાબતોનો સારો એવો અનુભવ મળ્યો હતો. પિતાજીની પ્રોફેસર બનવાની મહાત્વાકાંક્ષાને યોગ્ય દિશા મળી હતી. બસ, હવે તે બે ડગલાં જ દૂર હતો. એકવાર પોસ્ટ ગ્રેજ્યુએશનના બે વર્ષ નીકળી જાય અને સારા માર્કથી પાસ થઈ ને કૉલેજમાં પ્રોફેસરની નોકરી મળી જાય એટલે ભયોભયો. જો આમ થાય તો ઘરના બધા લોકો અને એમાંય વિશેષ કરીને સર તો કેટલા ખુશ થાય ! સરની રકમ પણ જલ્દીથી ચુકવી દેવાય. સર તેની માટે દેવતુલ્ય હતા. એમનો ઉપકાર તે માને એટલો ઓછો હતો. આજે એમની મદદ વગર તે આટલું શીખી શક્યો ન હોત. ઈશ્વર કોઈને કોઈ રૂપમાં આવીને મદદ કરતા હોય છે – એવી બાની વાત હવે તેને સાચી લાગી રહી હતી.
    ‘જો નિલેશ….’ સરે પાછળથી આવીને નિલેશને કહ્યુ.
    ‘હા…સર…’
    ‘આ પેપર્સ બૅન્કમાં મેનેજર સાહેબને આપીને કહેજે કે સતીષસરે મોકલાવ્યા છે. એ પછીથી આવીને તમને મળી જશે. આ કામ પતે એટલે તુ જમીને એક વાગ્યે પાછો કલાસ પર આવી જા. હું કલાસ લેવા જઉં છું. ’
    ‘ઓકે સર. હું બધા કામ પતાવીને આવું છું.’
    બપોરનો દોઢ વાગી ગયો હતો. નિલેશને જમીને આવતા થોડું મોડું થઈ ગયું હતું એટલે તે દોડતો દોડતો પગથિયાં ચઢીને સીધો કેબીન નજીક આવ્યો. કોણ જાણે કેમ, આજે અચાનક તેના પગ જરા થંભી ગયા… અંદરથી અવાજો સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. જેમાં એક અવાજ તો પરિચિત હતો. અને તે સરનો હતો.
    ‘સતિષભાઈ, તમે અમારા બંને નો પ્લાન તો જાણી લીધો. હવે તમારો આગળ શું પ્લાન છે એ તો કહો, જેથી અમનેય થોડી જાણકારી મળે.’
    ‘નિરંજનભાઈ, હું તો એવું માનું છું કે હવે કૉમ્પિટિશન નો જમાનો છે. ઍજ્યુકેશન એક ‘બિઝનેસ’ થઈ ગયો છે. આપણે જાગૃત ના રહીએ તો ફેંકાઈ જવાય. મારો કલાસ અત્યારે ‘ટૉપ ઓફ ધ સીટી’ છે એ વાત સાચી પરંતુ ભવિષ્ય માટે કશું કહી ના શકાય. કયારે કોઈ હરીફ ઉભો થઈ જાય એની શક્યતાઓ નકારી ન શકાય. એટલે મેં તો બધી તૈયારી બરાબર કરી લીધી છે.’
    ‘વાત તમારી સાચી છે. પણ તમે શેની તૈયારી કરી છે ? બીજી કોઈ બ્રાન્ચ ખોલવાનો વિચાર છે કે શું ?
    ‘ના રે ના, મેહુલભાઈ. આપણે તો આ એક બસ છે. મારો પ્લાન હાયર સેકન્ડરીના કલાસીસ શરૂ કરવાનો છે જેથી પહેલેથી જ વધારે વિદ્યાર્થીઓ મળી રહે.’
    ‘પણ સતિષભાઈ, આજકાલ સારા શિક્ષકો ક્યાં મળે છે? ભાગીદારીમાં જોખમો ઘણાં છે. જે શિક્ષકો મળે છે એ છ મહિનાથી વધુ ટકતા નથી. અનુભવ લઈને જતા રહે છે.’
    ‘મારે આવો કોઈ પ્રશ્ન નથી. મેં ભાગીદારી કરવી ન પડે અને શિક્ષકોય શોધવા ન પડે એવી વ્યવસ્થા કરી લીધી છે. મારે ત્યાં એક નિલેશ નામનો છોકરો કામ કરે છે. ત્રણ-ચાર વર્ષથી મેં એનો બધો ખર્ચો ઉઠવ્યો છે. આ વર્ષે તે ગ્રેજ્યુએટ થઈ ગયો છે. કલાસમાં ભણાવવાની રીતો મેં એને પહેલેથી સારી રીતે શીખવાડી દીધી છે. હવે એ મારા કામમાં નહી આવે તો ક્યારે આવશે ? હાયર સેકન્ડરીના અમુક વિષયો લેવાનું કામ હું એને સોંપી દેવાનો છું. આટલા વખતથી પાણી પાઈને આટલું મોટું ઝાડ કર્યું છે તો એના છાંયાનો લાભ પણ લઈશું જ ને !’
    નિલેશ આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. જેમને દેવતુલ્ય ગણ્યા હતા એમનું આવું રૂપ તો તેણે કદી જોયું ન નહતું. તેને તો જાણે પગ નીચે થી ધરતી સરકી ગઈ. શું કરવું એને સમજાયું નહીં. અંદર વાત આગળ ચાલી રહી હતી.
    ‘પ્લાન તમારો સારો છે, પણ બધાની જેમ એ નોકરી છોડીને જતો રહેશે ત્યારે તમે શું કરશો?’
    ‘મેહુલભાઈ, એ બાબતની તો મને જરાય ચિંતા નથી. આખો પ્લાન મેં પહેલેથી ખૂબ વિચારીને બનાવ્યો છે. આજે સવારે મેં એને 50,000 રૂ ઘરખર્ચ પેટે આપ્યા છે. માણસ પ્રમાણિક છે એટલે ચૂક્વ્યા વગર તો ક્યાંય જશે નહીં. મારે બહુ પગાર આપવો નહી પડે અને મારું કામેય થઈ જશે. એક કાંકરે બે પક્ષી મરશે. એ મારા અહેસાન નીચે હોવાથી ‘ના’ નહીં પાડે. થોડી રાજરમત રમવી પડે, શું કરીએ….જેવો સમય છે એવા રહેવું પડે.’
    ‘તમારું તો કહેવું પડે સતીષભાઈ! તમે તો બહુ લાંબુ વિચારીને બી નાખેલાં. તમે ખરેખરા રીયલ બીઝનેસમેન છો.’
    નિલેશની સામે આખું ચિત્ર સ્પષ્ટ હતું. હંમેશા સરને આદર્શ માનીને ચાલનાર નિલેશને હવે સરની ચાલ બરાબર સમજાઈ ગઈ હતી. બહારથી કોઈની જિંદગી સુધારવાનો દેખાડો કરતા લોકો પોતાના અંગત સ્વાર્થ માટે કેવો ખેલ કરીને સામેની વ્યક્તિની મજબૂરીનો લાભ લેતા હોય છે તે આજે જાણી ચૂક્યો હતો. તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો.
    બીજે દિવસે સવારે નિલેશ સીધો સરની કેબિનમાં પહોંચી ગયો.
    ‘શું થયું નિલેશ ? બિમાર છે કે શું ? તુ કાલે બપોરે આવ્યો નહી ? આજે સવારે વહેલો ક્લાસ પર ન આવ્યો ?’
    ‘ના સર. હું આપને કંઈક કહેવા આવ્યો છું.’ કહી નિલેશે ખિસ્સામાંથી પોતાનો ચેક કાઢી ટેબલ પર મૂક્યો.
    ‘હા બોલ. આ શું છે ?’
    ‘સર. આ આપનો ચૅક અને અને આપે મને જે ત્રણ વર્ષ ભણાવ્યો એની ફી ના આ બીજા 15,000 રૂ. હું આપની નોકરી છોડીને જાઉં છું. માફ કરજો સર, કાલે હું જ્યારે કેબીન ખોલવા જતો હતો ત્યારે મેં આપના મિત્રો સાથે થતી વાત સાંભળી હતી. સારું થયું મને વહેલી ખબર પડી. સર, આપના મારી પર અનેક ઉપકારો છે. આપે મને અણીના સમયે નોકરી આપીને પગભર કર્યો છે, પણ બધાનો અર્થ એમ નથી કે હું આખી જિંદગી તમારા ઉપકારોના બોજ નીચે રહીને મારા જીવનને ખતમ કરી નાખું. મારે મારી પોતાની પાંખો છે, મારું પોતાનું આકાશ છે. આપે મને ઉડતા શીખવ્યું એ આપનો ઉપકાર છે પણ આપ ચાહો કે હું આપની નક્કી કરેલી સીમાઓમાં બંધાઈને ઉડયા કરું તો એ આપની ભૂલ છે. મદદ કરનારનો હાથ મદદ આપીને ખસી જવો જોઈએ, સામેવાળાને બંધનમાં નાખે એ તો પાશ કહેવાય ! પૈસાથી તમે કોઈનું સ્વાભિમાન નહીં ખરીદી શકો. તમારા બનાવેલા સપના જોવા હું બંધાયેલો નથી, મારે મારા પોતાનાં સપનાં છે. મારા પિતાજીની મને પ્રોફેસર બનાવવાની ઈચ્છા પાછળ હજી મારે મહેનત કરવાની છે.
    ‘પણ નિલેશ….’
    ‘ના સર, હવે મારે કશું જ સાંભળવું નથી. જે કાંઈ સાંભળવાનું હતું ને સમજવાનું હતું એ મેં સમજી લીધું છે. છેલ્લે જતાં આપને એક વાત કહેતો જાઉં, સમય પ્રમાણે પ્રગતિ કરવી એ જરૂરી છે પણ તે કોઈનું શોષણ કરીને કે રાજકારણ રમીને નહીં. બુધ્ધિપૂર્વક પ્લાન બનાવીને શોષણ કરવાની રીતથી આજે આપ મારી આંખોમાં એક આર્દશ શિક્ષકનું સ્થાન ગુમાવી ચૂક્યા છો. આપ આપના પ્લાનને સફળ બનાવવા પ્લીઝ, કોઈ બીજાને શોધી લેજો. હું જાઉં છું..’
    નિલેશ સડસડાટ કેબીનની બહાર નીકળી ગયો. રસ્તા પર ચાલતાં-ચાલતાં, રાહદારીઓની ભીડમાંથી પસાર થતાં તે સતત એક જ વાક્ય વિચારતો રહ્યો – ભાગ્ય કેવી કરવટ બદલે છે !

બેવફા બારી – ડૉ. રેણુકા.એચ.પટેલ

[સમર્પણ’ ફેબ્રુ.06 માંથી સાભાર ]
‘એ’ હજી ત્યાં જ ઊભો હતો. બારી પાસે જ. લજ્જાએ તે તરફ જોયું. બન્નેની નજર એક થઈ ગઈ. લજ્જાને થયું , “કેવો તાકી રહ્યો છે ! કોઈ જોઈ જાય તો ?” તે ઝડપથી અંદર સરકી ગઈ. થોડીવાર પછી ફરી કોઈ કામે તે બાલ્કનીમાં આવી ત્યારે પણ ‘એ’ ત્યાં જ ઊભો હતો. જાણે લજ્જાની ફરીથી આવવાની રાહ ન જોતો હોય. લજ્જાને જોઈને જાણે સ્મિત કર્યું હોય એમ લાગ્યું. લજ્જા વળી પાછી તરત અંદર જતી રહી.
શહેરના શાંત, ઉચ્ચ મધ્યમવર્ગીય વિસ્તારમાં લજ્જાનો આ ફલૅટ છે. લજ્જા તેનાં મમ્મી, પપ્પા અને નાના ભાઈ સાથે વર્ષોથી આ ફલૅટમાં જ રહે છે. પણ ‘એ’ તો હજી ત્રણ મહિનાથી જ સામેના ફલૅટમાં રહેવા આવ્યો છે. તેના પહેલાં આ બારી હંમેશાં બંધ જ રહેતી. લજ્જાના રૂમની બાલ્કનીની સાવ સામેની બારી. લજ્જાને તો આ બારી બંધ જ જોવાની ટેવ પડી ગઈ હતી. પણ જ્યારથી ‘એ’ અહીં આવ્યો છે અને બારી ખોલી છે, લજ્જાની ઊંઘ હરામ થઈ ગઈ છે. સાવ સરળ સીધી લીટી જેવા લજ્જાના જીવનમાં વળાંકો ઊપસવા લાગ્યા છે. આમ તો લજ્જા આખો દિવસ ઑફિસમાં રહેતી પણ સવાર અને સાંજના સમયે એ ઘરે હોય ત્યારે જ્યારે જુઓ ‘એ’ બારી પાસે જ મળતો. ક્યારેક બારી પાસે બેસીને કંઈક વાંચતો, ક્યારેક કંઈક લખતો, તો ક્યારેક સાવ બારી પાસે ઊભો રહી લજ્જાની બાલ્કની તરફ તાક્યા કરતો. પહેલાં તો લજ્જાને બહુ ગુસ્સો આવતો. તે બાલ્કની તરફનું બારણું ધડ દઈને વાસી દેતી. પણ હવે ધીરે ધીરે તેને પણ ખુલ્લી બારી અને તેમાંથી ડોકાતો ચહેરો ગમવા લાગ્યાં છે. જ્યારે પણ તે ઘરમાં હોય મનના કોઈ ખૂણે સતત એ અહેસાસ રહે છે કે બારીમાંથી નોંધાતી નજરો બાલ્કનીમાં થઈ સતત તેની આસપાસ જ ફરી રહી છે.
હજી હમણાં અઠવાડિયા પહેલાંની જ વાત છે. લજ્જાને ઑફિસ જવાનો સમય થઈ ગયો. પણ ‘એ’ બારીમાં ડોકાયો જ નહીં. લજ્જાએ કંઈ કેટલીય વાર બાલ્કનીમાંથી નજર નાખી. પણ ખુલ્લી બારી સાવ ખાલીખમ જ રહી. આખરે થાકીને લજ્જા ઑફિસ જતી રહી. તે દિવસે ઑફિસમાં પણ કોઈ ભલીવાર ન આવ્યો. વારે વારે થતું રહ્યું કે ક્યારે ઘરે જાઉં અને ક્યારે ‘એ’ને જોઉં. અધૂરામાં પૂરું ઑફિસથી પાછા ફરતાં બસ પણ મોડી મળી. ઘરે આવી સોફા પર પર્સ ફેંકી તે તરત બાલ્કની તરફ દોડી. બારી પાસે ‘એ’ને ઊભેલો જોઈ હૈયામાં એવી ટાઢક વળી…. એ દિવસે લજ્જા મોડે સુધી ઊંધ ન આવી. કોણ છે ‘એ’ ? ‘એ’નું નામ શું હશે ? શું કરતો હશે ? શું ‘એ’ તેને ગમવા લાગ્યો હતો ? ‘એ’ને જોયા પછી તેના હૈયામાં સંવેદનાની જે નાની નાની કૂંપળો ફૂટવા લાગી હતી તેનું નામ જ પ્રેમ હશે ? શું આ એ જ રાજકુમાર હતો કે જેના વિષે બાળપણમાં તેણે પરીકથાઓમાં વાંચ્યું હતું ? આવા તો અસંખ્ય પ્રશ્નો મોડે સુધી તેના મગજમાં ઘૂમરી લેતા રહ્યા. લજ્જાને ખબર પણ ન પડી અને ‘એ’ લજ્જાના અબોટ હૈયાના આંગણામાં પ્રથમ પગલાં માંડી ચૂક્યો હતો.
પણ બીજે દિવસે ‘એણે’ હદ જ કરી નાખી. લજ્જા સવારે ઑફિસ જવા માટે હજી બસ-સ્ટૉપ પર જઈને ઊભી રહી કે ત્યાં જ તેણે ‘એ’ને દૂરથી આવતા જોયો. લજ્જા ગભરાઈ ગઈ. તેનું હ્રદય જોરથી ધડક ધડક થવા લાગ્યું. શું ‘એ’ અહીં જ આવી રહ્યો હતો ? જો ‘એ’ અહીં આવશે તો ? કંઈક વાત કરશે તો ? લજ્જાએ નજર ફેરવી બસ-સ્ટૉપ પર ઊભેલા માણસો સામે જોયું. કોઈ ઓળખીતું દેખાયું નહીં. લજ્જાએ ફરીથી ‘એ’ની દિશામાં જોયું. ‘એ’ ઝડપથી બસ-સ્ટૉપ તરફ જ આવી રહ્યો હતો. ‘એણે’ કદાચ લજ્જા તરફ હાથ પણ ઊંચો કર્યો. આ પરિસ્થિતિ માટે લજ્જા સહેજ પણ તૈયાર ન હતી. તેનું હ્રદય ભગવાનને યાદ કરવા લાગ્યું અને ભગવાને પણ જાણે તેની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ તેની બસ આવી ગઈ. લજ્જા દોડીને બસમાં ચડી ગઈ…. સીટ પર બેસીને તેને એવી તો હાશ થઈ. ‘ખરો છે આ તો !’ તેને થયું, ‘એની હિંમત તો જુઓ ! બસ-સ્ટૉપ પર કોઈ જોઈ જાય તો ? આ તો કાંઈ મળવાની જગા છે ? ઘર પણ કેટલું નજીક છે ! કોઈ જોઈ જ જાય. ચોક્કસ જોઈ જાય. ‘એ’ને તો કદાચ કોઈનીય બીક નથી. બીક તો મનેય ક્યાં છે ? કોઈનીયે બીક નથી. સિવાય કે માત્ર પોતાની.’
બીજો દિવસ રવિવાર હતો. લજ્જાએ વિચાર્યું કે કાલે તે દોડીને બસમાં ચડી ગઈ હતી એટલે ‘એ’ને કદાચ ખરાબ લાગ્યું હશે પણ ઊઠીને જુએ તો ‘એ’ બારી પાસે જ ઊભો હતો. લજ્જા નાહીને વાળ સૂકવવા બાલ્કનીમાં આવી ત્યારે પણ ‘એ’ ત્યાં જ હતો અને થોડીવાર પછી વળી કોઈ કામે આવી ત્યારે પણ ‘એ’ ત્યાં જ.
‘હે ભગવાન ! આને કોઈ કામધંધો છે કે નહીં ? નાહવા-ધોવા કે ખાવાપીવાનુંય નહીં હોય ! વળી આને તો ખોટુંય નથી લાગતું ! જબરો માણસ છે આ !’
લજ્જા પોતાના રૂમમાં પાછી આવી બેડ ઉપર બેસી વિચારવા લાગી, ‘કેમ, ‘એ’ની નજરો સતત મને શોધે છે ? શું ‘એ’ પણ મારી જેમ રાત્રે નહીં સૂતો હોય ? શું ‘એ’ પણ મારી જેમ ખૂબ ખૂબ વિચારતો હશે ? શું ‘એ’ પણ મારી બાલ્કનીનું ખુલ્લું બારણું જોવા તડપી ઊઠતો હશે ? શું ‘એ’ ને પણ હું ગમું છું ?’ કેટલાય પ્રશ્નો એવા હોય છે જેના ઉત્તર હંમેશાં આપણી ઈચ્છા મુજબના જ હોય છે. લજ્જા જેમ જેમ પોતાની જાતને પ્રશ્નો પૂછતી ગઈ તેમ તેમ ઉત્તર પણ મળતા ગયા. તે ઊભી થઈ અને અરીસા સામે જઈને ઊભી રહી. પોતાના સુંદર, ઊંચા, ગૌર દેહને બે ધડી જોઈ રહી. લજ્જાને જોઈને જો ‘એ’ તેના પ્રેમમાં ન પડ્યો હોય તો જ નવાઈની વાત હતી. લજ્જાએ પોતાના પ્રતિબિંબને પૂછયું, ‘એ રસ્તો કે જેને ‘પ્રેમ’ નામ અપાયું છે મારા માટે સર્જાયો છે ?’ “કેમ નહીં ?” પ્રતિબિંબે તરત પડઘો પાડ્યો, “દુનિયાની લાખો યુવતીઓ રોજ પ્રેમમાં પડે છે, તું પણ પડ. લાખો યુવતીઓ રોજ પરણે છે, તું પણ પરણ. તેમાંથી કેટલીક પસ્તાતી પણ હશે, જો તારા નસીબમાં પસ્તાવાનું લખાયું હશે તો તું પણ પસ્તાઈશ પણ એટલે કાંઈ એ રસ્તે ન જવાય એમ કાંઈ ચાલે ? એ રસ્તો તારો છે જ. અરે ! રસ્તો તો પ્રાણ પાથરીને તારી રાહ જુએ છે. બસ તારાં પગલાં પડે એટલી જ વાર છે. તું આગળ તો વધ.”
લજ્જાએ નિર્ણય લઈ લીધો. સાંજે ફલૅટના રહીશોનો મેળાવડો હતો. લજ્જાએ તૈયાર થવામાં સારો એવો સમય લીધો. લાલ રંગના ડ્રેસમાં તેનો ગૌરવર્ણ વધુ ખીલી ઊઠયો.
‘એ’ આવશે ? લજ્જાને થયું.
‘ચોકક્સ વળી.’ તેના હ્રદયે કહ્યું. ‘એ’ આવશે જ. લજ્જાને મળવાની, તેને નજીકથી જોવાની આવી તક ‘એ’ હાથમાંથી જવા દે તેવો મૂર્ખ નથી. ‘એ’ આવશે જ. લજ્જા તૈયાર થઈને નીચે ઊતરી ત્યારે બધા આવી ગયા હતા. મેળાવડો શરૂ થઈ ગયો હતો. લજ્જાની નજરો કેટલીય વાર સુધી ‘એ’ ને ખોળતી રહી પણ ‘એ’ ક્યાંય દેખાયો નહીં. કદાચ ‘એ’ આવ્યો જ નથી. લજ્જા થોડી વિહ્વળ બની ગઈ. લજ્જાની મમ્મી આવીને લજ્જાના હાથમાં જમવાની ડિશ પકડાવી ગઈ પણ લજ્જાનો મૂડ સાવ જતો રહ્યો. ‘એ’ કેમ નહીં આવ્યો હોય ? ‘એ’ની ઉપર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. થોડી વાર પછી તે પાણીના ટેબલ તરફ વળી. તેણે પાણીનો ગ્લાસ હાથમાં લીધો ત્યાં તેને લાગ્યું કોઈ તેની પાસે આવીને ઊભું રહી ગયું. તેણે જોયું ‘એ’ જ હતો. બ્લેક શર્ટ અને બ્લુ જીન્સમાં સજ્જ. આટલા પાસેથી પહેલીવાર જ જોયો. ખૂબ સરસ લાગતો હતો. લજ્જાનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. તેની નજરો, ‘એ’ના ચહેરા પર ખોડાઈ ગઈ. ‘એ’ કંઈક બોલી રહ્યો હતો. ‘એ’ શું કહી રહ્યો હતો ? ‘એ’ ના હોઠોના ફફડાટ પરથી લજ્જાએ શબ્દો પકડવા ખૂબ પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. તે નિષ્ફળ રહી. તેની આંખો ભરાઈ આવી. પ્રયત્નપૂર્વક ‘એ’ ના ચહેરા પરથી નજર ખસેડી તે પોતાના ફલૅટ તરફ દોડી ગઈ. એક ક્ષણ માટે તેણે પાછળ વળીને જોયું. ‘એ’ નીચેના ફલૅટના અમિત સાથે કંઈક વાત કરી રહ્યો હતો. એ બન્ને જણ લજ્જાની દિશામાં જ જોઈ રહ્યા હતા.
પોતાના રૂમમાં આવી લજ્જા પલંગ ઉપર ફસડાઈ પડી. ‘એ’ના ફડફડતા હોઠ લજ્જાની આંખો સમક્ષ તરી રહ્યા. ઈશ્વર જો એક ક્ષણ – માત્ર એક ક્ષણ માટે લજ્જાને સાંભળવાની શક્તિ આપે તો લજ્જા એ હોઠોની ભાષા સાંભળવા કંઈ પણ કરવા તૈયાર હતી. પણ એ ક્યાં શક્ય હતું ? ઓશીકામાં મોં છુપાવી લજ્જા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

ગુડનાઈટ, ડૅડી ! – ચંદ્રકાન્ત બક્ષી

એણે જોયું બેબી વાર્તા સાંભળતા સાંભળતા જ સૂઈ ગઈ હતી.
ધીરેથી એણે બેબીના વાળની બંને રેશમી રિબનો ખોલી. પછી એક પછી એક હેરપિનો કાઢી લીધી, વાળ છૂટા કર્યા અને માથા પર હાથ ફેરવ્યો, ગાલ પર એક બચી ભરી. કહેવાનું મન થયું ‘ગુડ નાઈટ, ડાર્લિંગ !’
સવારની ફલાઈટથી જવાનું હતું બેબીને.
ટેબલ પર પડેલી જૂની ડબલ લાઈનવાળી નોટનું પાનું ફફડ્યું. એ ઊભો થયો. હોમવર્કવાળી નોટ ઠીક કરીને બેગમાં મૂકતાં એનાથી વંચાઈ ગયું. આડાઅવળા અક્ષરે અંગ્રેજીમાં પેન્સિલથી લખ્યું હતું : ‘ફેરી પિંક કુડ નોટ ફ્લાય, ફૉર હર વિંગ્સ વેર વેટ.’ – પાંખો ભીંજાઈ ગઈ હતી એટલે ફેરી પિંક ઊડી શકતી ન હતી. ફૅરી પિંક પરી હતી. નદીને કિનારે રહેતી હતી. લાઈલેકનાં ફૂલો વચ્ચે ઊડતી હતી. એ ઊડતી હતી એટલે ફૂલો હાલતાં હતાં અને પંખુડીઓ પરથી શબનમ ઝરતું હતું અને જ્યાં જ્યાં શબનમનું એક ટીપું ઝરતું હતું ત્યાં એક પતંગિયું પંખ ફફડાવીને ઊડી જતું હતું.
એણે નોટ બંધ કરી અને બૅગમાં મૂકી.
એણે કહેલું : ‘બેટા, વહેલી સૂઈ જા, કાલે વહેલા ઊઠીને તૈયાર થવાનું છે.’
‘કેમ?’
‘કાલે વહેલા ઊઠવાનું છે. પછી તું ઊઠીશ નહીં.’
‘ઊઠીશ, મને વાર્તા કહો.’
એણે વાર્તા બનાવવા માંડી : ‘એક બેબી હતી…..’
‘મારા જેવી ?’
‘હા, તારા જેવી, પણ એના વાળ તારા કરતાં લાંબા હતા.’
‘કેટલા લાંબા, ડૅડી ?’
‘બહુ લાંબા.’
’એ ચશ્માં પહેરતી હતી ?’
એ હસ્યો. પછી યાદ આવ્યું, મંમી ચશ્માં પહેરતી હતી એટલે. અને એ ગમગીન થઈ ગયો. સંયત થઈ ગયો. ફરી હસ્યો. ‘તને કેવી રીતે ખબર પડી ગઈ ?’
‘મને ખબર નથી.’
‘અચ્છા. એ ચશ્માં પહેરતી હતી.’
‘આપણી મંમી પણ ચશ્માં પહેરે છે ને ?’
’હા, મંમી ચશ્મા પહેરતી હતી. પણ બેબીનાં ચશ્માં મંમી કરતાં નાનાં હતાં.’
‘એ જોઈ શકતી ન હતી?’
‘જોઈ શકતી હતી. બહુ નહીં.’
‘ચશ્માં પહેરે એટલે ન રડાય ?’
‘રડાય.’
‘પછી ?’
‘ -પછી બેટા, એ બેબી એક વાદળ પર બેસી ગઈ. વાદળમાં બહુ પાણી હતું.’
‘બેબી ભીંજાઈ ગઈ ?’
‘ના બેટા, એ બેબી વાદળ પર બેસી ગઈ અને વાદળ આકાશમાં વહેતું હતું. અને એક નાનું લીલું પક્ષી આવ્યું. પક્ષી બહુ થાકી ગયું હતું. ઊડી ઊડીને પાંખો ફફડાવતું ફફડાવતું એ વાદળ પર બેસીને શ્વાસ ખાવા લાગ્યું, અને…’
‘એ રસ્તો ભૂલી ગયું હતું ?’
‘હા, એ રસ્તો ભૂલી ગયું હતું.’
‘રાત પડી ગઈ ?’
‘ના, રાત ન હતી. પણ અંધારું થઈ ગયું હતું એટલે પક્ષી ગભરાતું હતું. બેબીની પાસે બેસી ગયું.’
‘એને ડર લાગતો હતો ?’
‘ડર લાગે ને. આટલા મોટા આકાશમાં એકલું એકલું ઊડયા કરે તો ડર લાગે ને ?’
‘લાગે.’
એટલે બેબીએ પક્ષીને પૂછયું : ‘પક્ષી, તું કયાં રહે છે ?’
‘પક્ષી કયાં રહેતું હતું ?’
’પક્ષીએ કહ્યું કે, હું તો એક તારામાં રહું છું. એ તારો અહીંથી બહુ દૂર દૂર છે.’
‘કેટલે દૂર ?’
’ખૂબ દૂર. મામાનું ઘર છે ને, એટલે બધે દૂર.’
‘પક્ષી રડવા લાગ્યું ?’
‘ના, એ કહે બેબી, હું રસ્તો ભૂલી ગયું છું. મને વાદળ પર બેસવા દઈશ ? બેબી કહે : હા, જરૂર બેસવા દઈશ. પછી પક્ષી બેઠું. અને વાદળ આગળ વહેવા લાગ્યું.’
‘એ ઊડી ઊડીને થાકી ગયું હતું ?’
‘હા, બેટા, એ ખૂબ ઊડી ઊડીને થાકી ગયું હતું, એટલે વાદળ પર બેબીની સાથે બેસી ગયું.’
‘પછી ?’
પછી ચશ્માંવાળી બેબીએ લીલા પક્ષીને પૂછયું : ‘પક્ષી, તને ગાતાં આવડે છે ?’
પક્ષીએ કહ્યું : ‘મને તો ગાતાં આવડે જ ને !’
બેબીએ પૂછયું : ‘મને એક ગીત સંભળાવીશ ?’
‘પક્ષીને ગીત ગાતાં આવડે, ડેડી ?’
‘આ પક્ષીને આવડતું હતું બેટા, એણે ગાયું.’
‘બેબીને મજા પડી ?’
‘ખૂબ મજા પડી. બેબી ખુશ ખુશ થઈ ગઈ. ઊભી થઈ. ખૂબ નાચી. એ નાચી એટલે વાદળ હાલ્યું અને વાદળમાંથી વરસાદ પડવા લાગ્યો.’
‘તમે તો કેવી ફાઈન વાતો કરો છો, ડેડી !’
‘તને ગમે છે ?’
‘હા, મને બહુ ગમે છે. પછી શું થયું ?’
‘ખૂબ વરસાદ પડયો. વાદળું ખાલી થઈ ગયું. વરસાદ નદી ઉપર પડયો અને પર્વતો ઉપર પડયો. જમીન પર પડયો, ઝાડો પર પડયો. પાંદડાઓ પર પડયો.’
‘ઝાડ પણ ભીંજાઈ ગયાં ?’
‘હા, એક ઝાડ હતું. એનાં પાંદડાં પીળાં પડી ગયાં હતાં. એમાં એક કેસરી કીડી રહેતી હતી.’
‘એ પણ ભીંજાઈ ગઈ ?’
‘હા, કેસરી કીડી પીળા પાંદડા પર સૂતી હતી. હવા આવી એટલે પાંદડું તુટવા લાગ્યું, કીડીની પાંખો ભીંજાઈ ગઈ. એ ઊડી શકી નહીં. પછી એ રડવા લાગી.’
’કીડી કેમ રડવા લાગી ?’
‘એની પાંખો ભીંજાઈ ગઈ ને બેટા, એટલે એ ઊડી શકી નહીં, એટલે રડે.’
‘ડેડી, ફેરી પિંકની પાંખો ભીંજાઈ ગઈ હતી. એ પણ રડતી હતી.’
‘આ કીડી પણ ફેરી પિંકની જેમ રડવા લાગી. કહેવા લાગી મારી પાંખો ભીંજાઈ ગઈ. હવે હું નહીં ઊડી શકું.’
‘બેબીએ એની પાંખો લૂછી નાખી ?’
‘ના. ત્યાં એક જાડો દેડકો બેઠો હતો. એનું ગળું હાલતું હતું અને આંખો બહાર નીકળી ગઈ હતી. કીડીની પાંખો ભીંજાઈ ગઈ ને એટલે એ હસવા લાગ્યો.’
‘પછી ?’
’પછી સૂરજ ચમક્યો. આકાશ ગરમ થયું. નદી ગરમ થઈ. પર્વતો ગરમ થયા. જમીન ગરમ થઈ એટલે કીડીની પાંખો પણ સુકાઈ ગઈ.’
‘કીડી ઊડી ગઈ ?’
‘તડકો ખૂલ્યો એટલે કીડીની પાંખો સુકાઈ ગઈ. અને દેડકાની આંખો ધૂપમાં બંધ થઈ ગઈ. કીડીની પાંખો તડકામાં ચકચક થવા લાગી. પછી કેસરી કીડી ઊડવા લાગી. લીલું પક્ષી ગાવા લાગ્યું. ચશ્માવાળી બેબી નાચવા લાગી.’
‘કેવું ફાઈન, ડૅડી !’
‘પછી સામે એક મેઘધનુષ ખૂલી ગયું.’
‘મેઘઘનુષ એટલે ?’
‘વરસાદ પડે અને સૂરજ ચમકે એટલે આકાશમાં સાત હલકા રંગોનો એક પુલ બની જાય. ઝૂમાં છે ને એવો જાપાનીસ પુલ જેવો.’
‘પછી ?’
’કેસરી કીડી એ મેઘધનુષના રંગીન પુલ ઉપર જઈને રમવા લાગી. લીલું પક્ષી એ પુલ ઉપર થઈને ઊડી ગયું. એ રહેતું હતું એ તારા તરફ ઊડી ગયું.’
‘અને બેબી, ડૅડી ?’
’બેબી પણ સૂઈ ગઈ. બેટા. ચાલ, હવે તું પણ સૂઈ જા.’
‘બેબી કયાં સૂઈ ગઈ ?’
’એના ડૅડી પાસે. વાર્તા પૂરી થઈ ગઈ. ચાલો. હવે સૂઈ જવાનું – ગુડ નાઈટ.’
’ગુડ નાઈટ, ડૅડી !’
રેશમી રિબનો અને હેરપિનો એણે બેબીની નાની બૅગમાં મૂકયાં. પેન્સિલથી હોમવર્ક કરેલી નોટ મુકાઈ ગઈ. કેસરી કીડી મેઘઘનુષ પર રમતી હતી. લીલું પક્ષી ઊડી ગયું હતું – તારાઓના દેશમાં. ચશ્માવાળી બેબી ચશ્માં અને રિબનો અને હેરપિનો કાઢીને ડૅડીને ગુડનાઈટ કરીને સૂઈ ગઈ હતી. વાર્તા પૂરી થઈ ગઈ હતી.
બેબીને સવારની ફલાઈટથી મોકલી દેવાની હતી. એ એકલી જ જવાની હતી. અહીંથી બેસી જવાની હતી નવ વાગ્યે. સાડાબારે ચેન્નાઈ ઊતરી જવાની હતી. ચેન્નાઈ પર એની મંમી એને લેવા આવવાની હતી.
એનું વેકેશન પણ પુરું થવા આવ્યું હતું.
– અને એના ડૅડી સાથે રહી આવવાની કોર્ટે આપેલી મુદત પણ.

74 થયાં તો શું થયું ? – જાહ્નવી પાલ

74 વર્ષનાં લીલાબહેન દવે મુંબઈના પરા મલાડના ફલૅટમાં એકલાં રહે છે. પતિનું અવસાન થઈ ગયું છે અને એકનો એક દીકરો દિલ્હીમાં રહે છે. હમણાં મળવા ગયાં ત્યારે એમના હાથ પર પ્લાસ્ટર હતું.
મોટી ઉંમરે હાડકાં ભાંગે ત્યારે સંધાતાં વાર લાગે છે. લીલાબહેનની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી આ વાતનો અફસોસ કરે અને કદાચ કહી દે કે, સંસારમાં બધા સુખ-દુ:ખ જોઈ લીધાં; હવે હાલતાં-ચાલતાં છીએ ત્યાં સુધીમાં જ ભગવાન ઉપાડી લે તો સારું.
પણ ઉપરવાળાએ લીલાબહેનને જુદી માટીમાંથી ઘડયાં છે. પોણાસો વર્ષની ઉંમરે એમને ઉપર જવાની કોઈ ઉતાવળ નથી. ઊલટું એમને તો હજી થોડાં વર્ષ વધુ જીવવાની ઈચ્છા છે. હજી કેટલાં બધાં કામ કરવાનાં બાકી છે ! એમાંય મુંબઈમાં એક વૃધ્ધાશ્રમ બનાવવાનું સપનું જોયું છે તે સાકાર નહીં થાય ત્યાં સુધી લીલાબહેને મજબૂતીપૂર્વક ટકી રહેવાનું નક્કી કરી નાખ્યું છે. અને એમની સાથે વાત કર્યા બાદ લાગે છે કે આ સ્ત્રી ભલભલા સામે લડે છે, કદાચ યમરાજા સામે પણ લડવા તૈયાર થઈ જશે.

લીલાબહેનની લડાઈ લગભગ ત્રણ દાયકાથી ચાલે છે. ‘આધાર’ નામની સંસ્થા ઊભી કરીને એમણે સ્ત્રીઓના પ્રશ્ન હાથમાં લીધા છે. છૂટાછેડા, ભરણપોષણ, દહેજ, બળાત્કાર…. આવી કોઈ પણ સમસ્યા સામે ભાંગી પડેલી સ્ત્રીઓને લીલાબહેને આધાર આપીને ઊભી કરી છે અને લડવા માટે તૈયાર કરી છે.
ઉપનગરનાં પોલીસસ્ટેશનોમાં એમનો ચહેરો જાણીતો થઈ ગયો છે. કોઈ કેસ રજિસ્ટર કરાવવા કે ઈન્કવાયરી કરાવવાની માગણી લઈને લીલાબહેન પોલીસસ્ટેશને જાય ત્યારે ઘણી વાર ડયુટી ઑફિસર કહી દે છે કે, માજી, તમે અહીં આવવાની તકલીફ શું કામ લીધી ? ફોન કરી દીધો હોત તો પણ ચાલી જાત. પરંતુ માજીનો જવાબ હોય, “હું તો ચોકીમાં તમારા જેવા દીકરાઓને મળવા માટે જ આવું છું. એ બહાને થોડું કામ પણ થઈ જાય….”
જો કે આ વાત કરતી વખતે લીલાબહેન પાછાં હસી પડે છે. એ કહે છે, “મને ખબર છે કે આ જ પોલીસવાળા મારી પીઠ પાછળ બબડતા હશે કે, બુઢ્ઢી શું કામ વારંવાર આવીને અમારું કામ વધારે છે ? પણ ભાઈ, કોઈએ તો કામ કરવું પડે ને ?”
લૉ-ગ્રેજયુએટ થયેલાં લીલાબહેન 30 વર્ષ સુધી શિક્ષણક્ષેત્રમાં હતાં. પ્રાર્થના સમાજમાં આવેલી વનિતા વિશ્રામમાં પ્રિન્સિપાલનો હોદ્દો સંભાળતા સંભાળતા એમની નજર બીજી તરફ ગઈ. માહિમમાં આવેલા એમના નિવાસસ્થાનની આસપાસ ઝૂંપડપટ્ટી હતી અને ત્યાં સતત ચાલ્યા કરતાં ઘરેલુ ઝઘડા, મારઝૂડ, છોકરીઓની છેડછાડ વગેરે એ જોતાં રહેતાં. એકાદ-બે વાર એમણે વળી આવા કોઈ મામલામાં વચ્ચે પડીને સમસ્યા સુલઝાવી.
જોતજોતામાં વાત પ્રસરી ગઈ કે મદદ જોઈતી હોય તો લીલાબહેન પાસે જાવ. માહિમથી ધારાવી સુધી એ મમ્મી તરીકે જાણીતાં થઈ ગયાં. દર અમાસે પોતાના હાથે રાંધીને એ આસપાસમાં વસતાં બાળકોને જમાડે. પરંતુ આ બધું પાર્ટટાઈમ સોશિયલ વર્ક હતું. બાકી મુખ્ય કામ તો સ્કૂલનું.
પરંતુ એમાં એક એવી ઘટના બની ગઈ…. “અમારા મકાનમાં રહેતી સિંધી છોકરીએ લવમૅરેજ કર્યાં, પણ લગ્નના દોઢ જ મહિના બાદ એ રડતી-કકળતી પાછી આવી. કારણ પૂછયું તો કહે કે હીરાની બુટ્ટી ખોવાઈ ગઈ એની સજારૂપે સાસરિયાંએ કાઢી મૂકી. છોકરીનાં મા-બાપ આવાં બીજાં ચાર ઘરેણાં અપાવવા તૈયાર હતાં, પણ સામેવાળાં એકનાં બે ન થયાં. કદાચ બુટ્ટી તો એક બહાનું હતું. એમને આ છોકરી ઘરમાં રાખવી નહોતી. માત્ર અઢાર વર્ષની છોકરી પર કેવી વીતી હશે ? આ ઘટનાએ મારી જિંદગીને નવી દિશા આપી. મેં ત્યારે જ નિર્ણય કરી લીધો કે હવે મારે બધો સમય સ્ત્રીઓને થતા અન્યાય સામે લડવામાં જ આપીશ !”
માહિમથી એ મલાડ રહેવા આવ્યાં પછી લીલાબહેને પોતાને એક હાર્ટઍટેક આવી ગયો છે, પણ લડવાનું છોડે એ બીજા !
“મારા પતિ પૂરતા પૈસા મૂકી ગયા છે. અને રાજકોટમાં બાપદાદાની મિલકતમાંથી પણ હિસ્સો મળ્યો છે. આર્થિક ચિંતા નથી એટલે હવે સમાજની ચિંતા માથે લીધી છે.”
ક્યારેક એવુંય બન્યું છે કે સાસરિયાંના ત્રાસમાંથી છોડાવેલી સ્ત્રીને એનાં સગાં મા-બાપ પણ પાછી રાખવા તૈયાર ન હોય. આવી મહિલાઓને લીલાબહેને પોતાના ઘરમાં રાખીને પગભર થવાની તાલીમ આપી છે. આપણે ત્યાં બળાત્કારના કિસ્સામાં બહુ ઓછી ફરિયાદ થાય છે અને થાય તો પણ ભાગ્યે જ એનું પરિણામ આવે છે. પરંતુ 21 વર્ષની નિર્મલા ઠાકુર પર એના શેઠે બળાત્કાર કર્યો એ કિસ્સામાં લીલાબહેને એવી આકરી લડત ચલાવી કે અપરાધીને ચાર વર્ષની સજા થઈ. આ કેસ લઈને રિન્કી ભટ્ટાચાર્યે ‘ઉમ્મીદ’ નામની ટી.વી. સિરિયલ બનાવેલી.
અને આ જબરી ગુજરાતણ તો સરહદપારની લડાઈ પણ સફળતાપૂર્વક લડી ચૂકી છે. પિંકી ઊંચલ નામની છોકરી લગ્ન કરીને અમેરિકા ગયેલી. છ જ મહિનામાં પતિએ છૂટાછેડા આપી દીધાં. ભરણપોષણનું નામ નહીં. બધી બાજુથી હારેલાં મા-બાપે લીલાબહેનનો સંપર્ક કર્યો અને એમણે આ કેસ હાથમાં લીધો. ‘આધાર’ સાથે સંકળાયેલા બે ફોજદારી વકીલો એકેય પૈસો લીધા વિના આવા કેસ લડે છે. પિન્કીના અમેરિકાવાસી પતિને કાનૂની સકંજામાં લઈને એની પાસેથી ભરણપોષણ પેટે 28,500 ડૉલર લઈને ‘આધારે’ એક કાનૂની ઈતિહાસ સર્જી દીધેલો.
અને અમેરિકામાં રહેતા ગુનેગારનો કાન આમળી શકે એમને રાજકોટ ક્યાં દૂર લાગે ? બીનાને માત્ર ત્રણ જોડી કપડાં આપીને એના પતિએ ઘરમાંથી કાઢી મૂકી અને પોતે રાજકોટ ભાગી ગયો. લીલાબહેને તો ટાટા સુમો ભાડે કરીને એમના સહયોગીઓ સાથે રાજકોટ પહોંચી ગયાં. ભાગેડુ ભરથારની પોલીસઅટક કરાવી. છોકરીના સાડા ત્રણ લાખ રૂપિયાના દાગીના અને સ્ત્રીધન પાછાં મેળવ્યાં. એમણે તો પિયરપક્ષે આપેલાં વાસણ પણ પાછાં માંગ્યાં. અહીં સાસરિયાંએ બદમાશી કરી. જૂનાં-પૂરાણાં ભંગાર જેવાં વાસણકુસણ પધરાવી દીધાં. સ્થાનિક પોલીસે પણ આમાં સહકાર આપ્યો હોવાનું કહેવાય છે.
લીલાબહેન કહે, વાંધો નહીં. એમણે તો એક કોથળામાં વાસણ ભર્યાં અને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતાં નીકળતાં કહ્યું કે, હવે ડી.સી.પી ને મળવા જાઉં છું. ચોકીમાં ખડભળાટ થઈ ગયો અને મૂળ વાસણ પાછાં આપાયાં.
આવું તો ચાલ્યા જ કરે છે. લીલાબહેન કહે છે, “મારા કામમાં સારા-ખરાબ, પ્રમાણિક-ભ્રષ્ટાચારી પ્રકારના પોલીસ ઑફિસરો મળ્યા છે, પણ મારું કામ છે બધા પાસે કામ કરાવવાનું.” અને પોલીસને એમની પાસે લાંચ માંગતાં સંકોચ થાય એવો રસ્તો આ ચતુર નારીએ શોધી કાઢયો છે. દરેક રક્ષાબંધને એ સંસ્થાની બહેનો સાથે રાખડી અને મીઠાઈ લઈને પોતાના વિસ્તારમાં આવેલી પોલીસચોકીઓમાં ફરી વળે છે. ખાખી વર્દીવાળા ભાઈઓને રાખડી બાંધે, મોઢું મીઠું કરાવે. હવે આ બહેનો પાસેથી પોલીસ કયા મોઢે લાંચ માગે કે એમનું કામ કરવાની ના પાડે ?
સારાની જેમ જ નરસા અનુભવો પણ ઘણા થઈ ગયા છે, પણ પાછળ જોઈને નિરાશા અનુભવવાનો, દુ:ખી થવાનો સમય લીલાબહેન પાસે ક્યાં છે ? જીવનનો પોણા ભાગનો રસ્તો કપાઈ ગયો છે અને કામ તો હજી કેટલાં કરવાનાં બાકી છે !

એકલતાનું ખમીર – અવંતિકા ગુણવંત

એટલે શું અમારે અમારાં સુખસગવડનું બલિદાન આપવાનું ? અમારી ઊંચા પગારની નોકરીને લાત મારવાની ? પપ્પા, આવી મૂર્ખામી કરવાની સલાહ તો કોઈ દુશ્મનેય ના આપે.’ કિન્નરે સાવ લાગણીહીન સ્વરમાં દિનેશભાઈને કહ્યું. દિનેશભાઈ તો આભા બનીને સાંભળી જ રહ્યા. ચંદ્રિકાબહેનને અકસ્માત થયો હતો, હાથે પગે અને પાંસળીઓમાં ફ્રેકચર થયાં હતાં, નાનાંમોટાં કંઈ કેટલાંય ઑપરેશન કરાવવાં પડશે. ચંદ્રિકાબહેન બચી ગયાં એ જ ઈશ્વરની મહેરબાની એવી પરિસ્થિતિ હતી. પણ દવાખાનામાં કેટલો વખત રહેવું પડશે એ નક્કી ન હતું.
ત્રણે દીકરાઓ કિન્નર, અક્ષય અને અશોક પરદેશ સ્થાયી થયા હતા. દિનેશભાઈએ ગભરાઈને કોલ કર્યો ને ત્રણે દીકરાઓ હાજર થઈ ગયા હતા. પણ ત્રણે એકલા જ આવ્યા હતા. કોઈ પોતાની પત્નીને સાથે લાવ્યું ન હતું. ત્રણેની પત્ની જોબ કરતી હતી. આવવાની અનુકુળતા ન હતી.
દિનેશભાઈને મનમાં હતું, ત્રણ ત્રણ દીકરાઓ અને એમની વહુઓ છે. મારે તો કોઈ ચિંતા નહિ રહે. હૉસ્પિટલમાં રહેવું, આંટાફેરા, ડૉકટરને મળવું, દવા લાવવી બધું છોકરાઓ ઉપાડી લેશે. પણ દીકરાઓ તો માત્ર મોં બતાવવા આવ્યા હતા. હાજરી પુરાવવા આવ્યા હતા. એમણે તો આવ્યા એ ઘડીએથી જ જવાની વાત ઉચ્ચારી. માની પાસે બેસવાની કોઈને પડી ન હતી. માની ચાકરીની ચિંતા ન હતી.
દિનેશભાઈએ કહ્યું, ‘તમે ત્રણે એક સાથે અહીં રહો એવું નથી કહેતો પણ વારાફરતી એક એક જણ રહો. તમારી મમ્મીની પથારી લાંબી ચાલશે માટે આપણે બધુ ગોઠવવું તો પડશે.’
‘પપ્પા, તમે તો અમારા પપ્પા છો કે વેરી ? કેવી નાદાન જેવી વાત કરો છો ? તમે અમારું હિત તો વિચારતા નથી.’ અક્ષય બોલ્યો.
‘બેટાઓ આજ સુધી તમારું જ હિત જોયું છે, તમને ભણાવ્યા, ગણાવ્યા….’ દિનેશભાઈએ લાચાર સૂરમાં કહ્યું.
‘પપ્પા, ભણાવ્યા ગણાવ્યા એમાં તમે નવાઈ નથી કરી. બધાં માબાપ પોતાના સંતાનોને ભણાવે જ છે. છતાં તમે એની કિંમત ઈચ્છતા હો તો બોલો કિંમત આપી દઈએ.’ ત્રીજો દીકરો અશોક બોલ્યો.
દીકરાઓના મોં એ આવી વાત સાંભળીને દિનેશભાઈનું ચેતન જ હણાઈ ગયું. ઓરે, આવી ખબર હોત તો દીકરાઓને ખબર આપીને બોલાવત જ નહીં. તેઓ રડી પડયા. બોલ્યા, ‘દીકરાઓ, તમારી મમ્મી તરફ તમારી કોઈ ફરજ નહીં ?’
‘ફરજની કોણ ના પાડે છે ? એટલે તો કહીએ છીએ પૈસા બોલો. અમે ભાગે પડતા આપી દઈએ. બાકી અમારી જિંદગીને પૂર્ણવિરામ મૂકીને અહીં રોકાઈ ન શકીએ. કોઈ માબાપ પોતાના સંતાનો પાસેથી આવો ભોગ ન માગે. પપ્પા, મમ્મીની સારવાર તમે તમારી રીતે કરો ને પૈસાની ચિંતા ન કરશો. તમે નિવૃત છો. તમે સમય આપી શકો.’
દિનેશભાઈ સમસમી ગયા. ભરપૂર પ્રેમ આપીને જે દીકરાઓને ઉછેર્યા હતા એમણે આવો પડઘો પાડયો ?
આજ સુધી અમે આવી ભ્રમણામાં જીવ્યાં ? મારો પગાર ટૂંકો હતો પણ છોકરાઓ પાછળ ખરચ કરવા જેવો હોય ત્યાં કર્યો જ હતો. અમારા મોજ શોખ બધા વિસારે પાડયા હતા. બાર બાર મહિના થઈ જાય તોય ચંદ્રિકા એના માટે એક સાડલો લેતી નહીં, આખા જીવન દરમ્યાન એક ઘરેણું મેં એને કરાવી આપ્યું નથી, ગાંધીજીના જેવી સાદાઈથી અમે જીવ્યા માત્ર છોકરાઓ ના વિકાસ ખાતર ! છોકરાઓ પાસેથી અમે આજ પહેલાં કશું માગ્યું નથી.
ચંદ્રિકાને આવો અકસ્માત ન થયો હોત તો છોકરાઓને અંહી રોકાઈ જાઓ એમ કહેત જ નહીં. આટલાં વરસો થઈ ગયાં, છોકરાઓ જયારે આવ્યા ત્યારે આવો કહ્યું છે, ગયા ત્યારે આવજો કહ્યું છે. કોઈ દિવસ અમારી ઈચ્છા પ્રગટ કરી કોઈ સૂચન નથી કર્યું. આગ્રહ નથી કર્યો. એમની આડે કયાંય આવ્યા નથી. કદી અધિકાર નથી કર્યો.
છોકરાઓને આ બધું કેમ નથી સમજાતું ? અમે બીજાં સામાન્ય માબાપ જેવા સ્વાર્થી નથી, ગણતરી બાજ નથી, છોકરાઓ પર આધિપત્ય જમાવવા નથી માગતાં. અમારી કોઈ જવાબદારી એમના પર નાખવા પ્રયત્ન નથી કર્યો. અમારી હોંશ, લાલસા, તૃષ્ણા પર અંકુશ રાખ્યો છે.
પણ સંજોગો એવા આવ્યા કે મારે એમને સહાય માટે કહેવું પડયું અને તેઓ ત્રણ જણ છે, થોડો થોડો સમય વહેંચી કાઢવાની યોજના કરે તો ! આટલો ભોગ આપવાય દીકરાઓ તૈયાર નથી. આટલોય મા માટે પ્રેમ નથી ? એ ન રહી શકે તો એમની પત્ની વારાફરતી રહે.
ચંદ્રિકાએ છોકરાઓને પોતાનાથી જરાય અલગ નથી કર્યા. એમની નાનામાં નાની માંગણીને સંતોષી છે. નાની ખુશી માટેય કેટલી મહેનત કરી છે.
છોકરાઓ પહેલે નંબરે પાસ થતા તો અમે કેટલું હરખાતાં. એ નાટકમાં ઊતરતા ને સ્ટેજ ગજાવતા તો અમારી છાતી ગજ ગજ ફૂલતી. રમતગમતમાં ઈનામો જીતતા તો અમે ફૂલ્યાં ન સમાતાં.
દીકરાઓ માટે અમે કેટલું ગૌરવ લેતાં હતાં. દીકરાઓ અમારા પ્રાણ હતા. આવા તેજસ્વી દીકરાઓ આપવા માટે અમે પ્રભુનો કેટલો આભાર માનતાં હતાં. એ દીકરાઓને આજે અમારી ચિંતા નથી. જરાય ચિંતા નથી.
એમની વહાલસોઈ મા પથારીમાં પડી છે. આટલી વેદના, આટલી પીડા, આટલું કષ્ટ પામી રહી છે ત્યારે એને એકલી મૂકીને પૈસા ગણવા જઈ રહ્યા છે.
દીકરાઓ તો કાલે પરણ્યા એ એમનો સંસાર થયો પણ એ પહેલાં એમના નાનપણના ખેલકૂદના દિવસમાં, અભ્યાસકાળમાં કોનો સાથ એમને હતો ? પરીક્ષા હોય ત્યારે રાતોની રાતો એમની સાથે જાગતું કોણ બેસી રહેતું ? એ ચિત્રો કરતા ત્યારે એમના રંગ પૂરતા જોવા ને દીકરા આ બરાબર નથી જામતું, હા હવે વંડરફૂલ લાગે છે એમ કહી કહીને એમનો પાનો કોણ ચડાવતું હતું ? એમની સાથે કવિતાઓ ને શ્લોકો ગોખવા કોણ બેસતું ? દીકરાઓને પળેપળનો સાથે જે માબાપે આપ્યો છે, એ માબાપ સાથે માત્ર પૈસાનો સંબંધ ? કિંમત ચૂકવવાની વાત ? જે માબાપ વડીલ તરીકે નહિ પણ મિત્ર તરીકે વર્ત્યાં એ માબાપ આજે પારકા થઈ ગયા ? માબાપની જરૂર નથી એટલે ? દીકરાઓના હ્રદય આવાં લાગણીશૂન્ય કેમ ?
અક્ષય ઓસ્ટ્રેલિયા વસ્યો, કિન્નર સિંગાપોર ને અશોક અમેરિકા જઈ વસ્યો. દેશમાં અમે બે જણ એકલાં રહ્યાં તો ય કદી ફરિયાદ નથી કરી. એમના આનંદના સમાચાર જાણીને અમે ખુશ થતાં હતાં.
પણ આજે ચંદ્રિકા પથારીમાં ને હું એકલો પડી ગયો છું. ત્યારે દીકરાઓ અમારો ટેકો બનવાને બદલે કેટલી આસાનીથી ખસી જાય છે. હું ઘરડો છું, દોડાદોડ થતી નથી. છતે દીકરે પારકાના ઓશિયાળા.
આવા વિચારો કરી કરીને દિનેશભાઈ કકળવા માંડયા. લાંબા દીર્ઘજીવનમાં દિનેશભાઈ અને ચંદ્રિકાબહેન વચ્ચે એટલું ઐક્ય સધાયું હતું કે મનમાં ઊઠતી વાત એકે એક તરંગ, કલ્પના, ચિંતા એકબીજાને કહેતાં જયારે આજે તો ચંદ્રિકાબહેન પથારીમાં છે. એમને આવી આઘાતજનક વાત કહેવાય નહીં. દિનેશભાઈના હૈયામાં આ વાત ઘૂંટાતી રહી, હૈયાને વલોવતી રહી, વહેરતી રહી.
ચાર દિવસમાં દીકરાઓ પોતપોતાના સ્થાને પહોંચી ગયા. એ પછી આઠ દિવસે દિનેશભાઈને હાર્ટએટેક આવ્યો ને મૃત્યુ પામ્યા. સમાચાર સાંભળીને ત્રણે દિકરાઓ વહુઓ સાથે દોડાદોડ આવી પહોંચ્યા. દીકરાઓ સફેદ ઝભ્ભો ને સફેદ લેંઘા, વહુઓ સફેદ કપડાં પહેરી ગંભીર મોં લઈને બેઠાં છે. નથી બોલતા નથી ચાલતા. બોલે છે તોય ખૂબ ધીમા સ્વરે, ખપપુરતું ના છૂટકે. જાણે કે પિતાના મૃત્યુના શોકમાં દટાઈ ગયાં છે.
પણ ખરેખર શું એમને બાપ ગયાનું દુ:ખ હતું ? ના. આ તો એક દેખાવ હતો. સમાજને બતાવવાનું નાટક હતું. સમાજને પ્રભાવિત કરીને સર્ટિફિકેટ લેવાનું.
દસ દિવસ થયા એટલે દીકરાઓ જવા તૈયાર થયા. ત્રણેએ માને કહ્યું, ‘હિંમત રાખજે. તારી તબિયત સાચવજે. અમે અવારનવાર કોલ કરતા રહીશું.’
ચંદ્રિકાબહેને માથું ધુણાવીને હા કહી. એમને દીકરાઓ પરથી સાવ મન ઊઠી ગયું હતું. આવા નગુણા દીકરાઓનો એમને જરાય મોહ નહોતો રહ્યો. તેઓ જાય એનો અફસોસ ન હતો. તેઓ દીકરાને એમનો આધાર નહોતા માનતા.
એમનું મન મક્કમ થઈ ગયું હતું. સ્વાભાવિક નિર્બળતા, દૂર્બળતા અદ્રશ્ય થઈ ગઈ હતી. એમણે નક્કી કર્યું હું જીવીશ, શાનથી જીવીશ. આ ઘર વેચીને નાનકડી જગ્યામાં રહેવા જઈશ પણ પૈસા ખરચીને મારી બરાબર દવા કરાવીશ. બાઈ રાખીને રસોડું ઘર એને સોંપી દઈશ પણ ઑપરેશન કરાવીને ફરી એકવાર ચાલતી થઈશ.
દીકરાઓ પણ જાણશે કે હું એમની પર આધારિત નથી. એમની તરફ મેં મારી ફરજ બજાવી દીધી. હવે એ જંજાળ દૂર થઈ છે. તો દૂર જ રહેવા દઈશ. હવે મારું નવું જીવન શરૂ થશે. હું મારું જીવન કે મોત બગાડીશ નહિ. આવા આવા વિચારથી ચંદ્રિકાબહેનમાં હિંમત આવી ને મનની શરીર પર અસર થઈ.
એમની તબિયત ઝડપથી સુધરવા લાગી. ફરી એકવાર એ ચાલતા થઈ ગયા. દીકરાઓ ન આવ્યા પણ દીકરાઓથીય અધિક સંભાળ લેનાર સ્નેહીજનોની ખોટ ન હતી. મિત્રોની ખોટ ન હતી. એમણે ચંદ્રિકાબહેનને હૈયાના હેતથી સાચવ્યાં.

કરમનું પોટલું – ગિરિશ ગણાત્રા

અઠવાડિયે માંડ રવિવારની એક રજા મળે, રજાને દિવસે ભાવતાં ભોજન મળે ને પેટ ભરીને, ઠાંસીઠાંસીને જમ્યા પછી ગરમીના દિવસોમાં માથે પંખો ફરતો હોય, બારીમાંથી પવનની મીઠી મીઠી લહેરખી આવતી હોય ને આંખના પોપચા પર મણ મણનાં પડ બંધાઈ ગયાં હોય ને એવે વખતે કોઈ બારણું ઠોકીને જગાડે તો…..?
વાત કંઈક આવી હતી.

કૉલેજમાં ભણતાંભણતાં ને સાથે નોકરી કરતાં ત્રણેક વિદ્યાર્થીઓએ રાજકોટમાં એક ડેલીબંધ ઘર ભાડે રાખ્યું હતું. નોકરી કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રૂમ ન મળે એવો નિયમ હતો. એટલે આવા વિદ્યાર્થીઓ ઘર ભાડે રાખીને જ ભણતા. કોઈ લોજનો માસિક પાસ કઢાવી લેતા. રવિવારે લોજમાં એક જ ટાઈમ જમવાનું મળતું એટલે મિષ્ટન્ની સાથે ફરસાણ પણ હોય. એ દિવસે જમવાનું પણ મોડું થતું. આમેય, સવાર-સાંજનું સાથે જમવાનું હોય એટલે વિદ્યાર્થીઓ મોડે મોડે જ જમવા જાય. આ ત્રણેય વિદ્યાર્થીઓ બપોરે અઢી વાગ્યે જમીને ઘરે આવ્યા ત્યારે ઊંઘવાનો ભવ્ય કાર્યક્રમ ઘડીને જ આવ્યા હતા. ડેલીને સાંકળ ચડાવીને જેવા પથારીમાં પડયા અને ઊંઘના આવરણાથી બરાબર ઘેરાયા ત્યાં ડેલીના દરવાજા ખખડયા.
પરાણે ઊઠીને એક જણાએ ડેલીનો દરવાજો ખોલ્યો તો વાસણવાળી બાઈ, માથે સૂંડલો. એમાં સ્ટેઈનલેસ સ્ટીલનાં ચળકતાં વાસણો. એક ખભે જૂનાં કપડાંનું પોટલું ભરાવેલું.
“કાંઈ જૂના કપડાં આપવાનાં છે, ભાઈ” વાસણવાળી બાઈએ કહ્યું. “જૂની સાડી-સાડલા, ચણિયા, પેન્ટ-શર્ટ, છોકરાંઓના કપડાં….”
“અરે આ તો વાંઢા-વિલાસ છે.” વિદ્યાર્થીએ ચિડાઈને કહ્યું “અહીં સાડી-ચણિયા ન મળે. બધાય વિદ્યાર્થીઓ છે. સમજી. ચાલતી પકડ. નકામી રવિવારની ઊંઘ ખરાબ કરી….”
“મને શું ખબર બાપુ કે તમે બધા ભણતા છોકરાઓ છો ? સારું, સારું. ઊંઘો તમતમારે નિરાંતે. હવે નહિ ખખડાવું…..”
વાસણવાળી બાઈએ રાંક સ્વભાવનું દર્શન કરાવ્યું.
ત્યાં આ વિદ્યાર્થીના મનમાં ચમકારો થયો. આ બાઈએ મારી ઊંઘ બગાડી, તો હવે એનો બાકીનો દિવસ બગાડું તો ખરો ! એટલે એણે હળવેકથી કહ્યું :
“ આ બાજુની ડેલીમાં જા. ત્યાં વસતારી કુટુંબ છે. ત્યાં તને ગાંસડી ભરીને કપડાં મળશે…..”
“સારું સારું ભઈલા. હવે પાણી પીવું’તું તે ત્યાં જઈને પી’શ”
“ત્યાં પાણી નહિ, ચા મળશે” કહી વિદ્યાર્થીએ ધડાક કરતી ડેલી બંધ કરી દીધી. બાજુની ડેલીવાળાં બહેન આ લતામાં પંકાયેલા હતા. બહુ જ ઝઘડાળું સ્વભાવનાં. ‘કાં લડ, નહિ તો લડવાવાળો દે’ એ કહેવતને પુરેપુરી સાર્થક કરનાર. કચકચિયો ને ચીડિયો સ્વભાવ. આજુબાજુવાળા બધાય એનાથી ત્રાસી ગયેલા. એનો સ્વભાવને કારણે મકાનમાલિકે પણ ક્યારનુંયે એને ઘર ખાલી કરવાનું કહી દીધેલું. પેલો વિદ્યાર્થી બાજુનું ઘર ચીંધી સૂઈ ગયો. સાંજે જ્યારે ઊંઘીને, ચા-પાણી પતાવી ફરવા જતા હતા ત્યાં પેલી વાસણવાળી બાઈ મળી.
“કાં, બાજુમાંથી કાંઈ મળ્યું ?”
“મળ્યું. બહુ જૂનાં કપડાં નીકળ્યા ત્યાંથી. બહેન બહુ કચકચિયાં હતાં એટલે કસીકસીને કપડાં આપી વાસણો લીધાં.”
“ત્યારે તો ચા-પાણી પણ મળ્યાં હશે ……”
“અરે ચા તો ઠીક મારા ભાઈલા, પણ સામે ચડીને ત્રણવાર પાણી માગ્યું તેય સંભળાવીને આપ્યું કે ડંકી ખેંચીખેંચીને કમર તૂટી જાય છે. બધાંય જરી ગયેલાં કપડાં નીકળ્યાં. કસીકસીને કપડાં આપ્યાં ને એને ગમતાં વાસણ પડાવી લીધાં. જતાં જતાંયે સૂંડલામાંથી પરાણે એક ડબોય ખેંચી લીધી. આખી સાંજ બગાડી નાખી એ બાઈએ….”
વિદ્યાર્થીઓ હસતાં હસતાં ફરવા જતા રહ્યાં.
વેર બરાબરનું વળ્યું હતું. હવે બન્યું એવું કે બે દિવસ પછી પેલી ઝઘડાંખોર બહેને પણ ઘર બદલી નાખ્યું. બધો સામાન-ઉચાળો ભરીને બીજે કયાંક રહેવા જતાં રહ્યાં. હવે પેલા વિદ્યાર્થીઓને શાંતિ હતી. લડવા-ઝઘડવાનો, છોકરાંઓને માર-પીટનો કે ઘાંટાઘાટના અવાજો હવે બંદ્ય થઈ ગયા. ‘ભલું થયું ભાંગી જંજાળ’ નો સૌએ રાહત-દમ લીધો.
પણ ચાર-પાંચ દિવસ પછી પેલી વાસણવાળી બાઈએ એક નવી જંજાળ ઉભી કરી દીધી ! એ ઝઘડાખોર બાઈનું નવું સરનામું એને જોઈતું હતું. આડોશ-પાડોશના લોકો એનું નામ લેવ તૈયાર નહોતા ત્યાં એનું નવું સરનામું શોધી આપવાની મદદ શાના કરે ? એટલે, વાસણવાળી બાઈ ગઈ પેલા વિદ્યાર્થીઓ પાસે !
“ભઈલા, બાપુ, એ બે’નના નવા ઘરનું સરનામું મને મેળવી આપો ને ! ભગવાન તમારું ભલું કરશે…..”
“કાં ! એના સરનામાની તને શી જરૂર પડી ? “ એક વિદ્યાર્થીએ કહ્યું.
“લડવા-ઝઘડવાના પાઠ શીખવા હશે.” બીજાએ ટકોર કરી.
“બાપલા, મશ્કરી કાં કરો ? બહુ જરૂર છે. આજુબાજુવાળા મદદ કરતા નથી તે હું કોને કહું ? તમે છોકરાંઓ છો, તેમે ગમે તે કરીનેય મેળવી શકો….ભગવાન તમારું ભલું કરશે. મારે માથેથી પાપનું પોટલું ઊતરી જશે…..”
“કેમ ? એવું તેં શું કર્યું કે પાપનું પોટલું વળી બંધાઈ ગયું ?”
“તે’દી એની પાસેથી જૂનાં કપડાં લીધા’તાં તે ગઈકાલે ઘરનાં અમે બધાં કપડાં છૂટાં પાડવા બેઠાં ત્યારે પાટલૂનના ચોર-ખીસામાંથી પાંચસો રૂપિયાની ઘડી વાળેલી નોટો નીકળી. એ એને પાછી દેવી છે….”
“રાખી લ્યે.” એક વિદ્યાર્થીએ કહ્યું “એ પૈસા તું રાખી લઈશ તો જરાયે પાપમાં નહિ પડે એની ગેરંટી હું તને આપું છું. એ બાઈના પાંચસો પાંચસો રૂપિયાની ઘડી વાળેલી નોટ પાછી આપી ત્યારે એ ઝઘડાખોર બહેને સંભળાવ્યું પણ ખરું :
“સારું થયું કે પાછી આપવા આવી, નહિતર આ પૈસા તને પચત પણ નહિ…..”
“ના, બેન, મને આ અણહકના પૈસા ન ખપે. એટલે તો આ ભાઈયુંની મદદથી તમારું ઘર શોધી તમને પાછા દેવા આવી. લ્યો ત્યારે હવે જાઉં…..”
નહિ આભારનો એક શબ્દ, ન ચા-પાણીનો વિવેક.
“આટલા કૂચે માર્યા પછી તને શું મળ્યું ? તેં એને પાંચસો રૂપિયા પાછા આપ્યા તોયે તારો આભાર માનવાને બદલે તને સામે ચોંટી….”
“ભઈલા, ભગવાન પાસે મારી લાજ રહી ગઈ એટલે ઘણું. આ કપડાં કે દેખાવ આપણી લાજ નથી. આપણી નિયત જ આપણી સાચી લાજ છે. મારી લાજ ઢાંકી રહી એટલે મને સંતોષ…..તમે હવે ઉપડો. તમારે વાંચવાનું મોડું થતું હશે. હું તો કાપી નાખીશ મારો રસ્તો…..”
સ્ટ્રીટ લાઈટના ઝાંખા પ્રકાશમાં દૂર દૂર જઈ રહેલો એ બાઈનો ઓળો મોટો ને મોટો થતો ચાલ્યો.

આદિલ- મન્સુરી

 નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.”
” માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.”
___________________________ 
નામ
  • ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી
ઉપનામ
  • આદિલ
જન્મ
  • 18 મે – 1936 ; અમદાવાદ  
અવસાન 
  • 6, નવેમ્બર – 2008, ન્યુ જર્સી, અમેરીકા
અભ્યાસ
  • પ્રાથમિક– અમદાવાદ
  • માધ્યમિક – અમદાવાદ અને કરાંચી
વ્યવસાય
  • સૂતર અને કાપડનો વ્યવસાય
  • પત્રકારત્વ
  • જાહેરાતની કમ્પનીમાં કામ
જીવન ઝરમર
  • અમદાવાદમાં ‘રે’ મઠ નામના કવિઓના મંડળના એક મૂખ્ય સભ્ય
  • રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, ચિનુ મોદી ખાસ મિત્રો
  • જીવનના એક તબક્કે સરકારી તંત્ર ગુપ્તચર હોવાની શંકા સેવી આ  ઋજુ દિલના શાયરની પાછળ પડી ગયું હતું.
    તે ઘટનાની પાર્શ્વ ભૂમિકામાં રચાયેલી રચના વાંચો.
  • અમેરિકામાં કાયમી વસવાટ, અનેક મુશાયરાઓમાં લોકપ્રિય શાયર
  • તેમની અનેક રચનાઓ સ્વરબધ્ધ થયેલી છે.
  • ગઝલો, એકાંકીઓ , નાટકો, પોતાની વેબ સાઇટ ( ગઝલ ગુર્જરી ડોટ કોમ ) ચલાવતા લબ્ધ પ્રતિષ્ઠિત કવિ
મુખ્ય રચનાઓ
  • કવિતા – વળાંક, પગરવ, સતત, ગઝલના આયનાઘરમાં
  • નાટક – પેન્સીલની કબર, મીણબત્તી, એબ્સર્ડ નાટક –  હાથપગ બંધાયેલા, જે નથી તે
સાભાર 

અવિનાશ વ્યાસ, Avinash Vyas

“પંખીડાને   આ   પીંજરુ   જૂનું   જૂનું   લાગે.
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે.”
“ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.”
“તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું.”
“મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને.”
આવાં ઢગલાબંધ ગીતો વાંચો અને સાંભળો ( સૌજન્ય – માવજીભાઈનો બ્લોગ )
————————————–
“સંગીત જેનો પ્રાણ છે એવા સંગીતકમમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યત્વ શોધવાનું આપણા કવિવરો માંડી વાળે.” – અવિનાશ વ્યાસ
“જે વસ્તુ કવિતા પચાવી શકતી ન હોય ત્યાં કવિતાને સ્થાનભ્રષ્ટ કરવાનો મ્હને અધિકાર શો છે?” – અવિનાશ વ્યાસ    ( ફિલ્મી ગીતો તરફ સૂગ ધરાવતા આ પ્રામાણિકતાને બીરદાવશે.)
——————————————————————–
જન્મ
  • ૧૯, જુલાઈ- ૧૯૧૧, અમદાવાદ; મૂળ વતન – વીસનગર
અવસાન
  • ૨૦મી ઓગસ્ટ, ૧૯૮૪, મુંબાઈ
કુટુમ્બ
  • માતા– મણીબેન  પિતા – આનંદરાય
  • પત્ની -વસુમતીબેન ; લગ્ન ૧૯૩૫?; પુત્ર  -ગૌરાંગ ( જન્મ – ૧૯૩૮)
  • ૫૫-૫૬? – બીજાં લગ્ન – સુલોચના ચોણકર સાથે ( મરાઠી રંગભૂમિનાં જાણીતાં કલાકાર)
શિક્ષણ
  •  ?
વ્યવસાય
  • ૧૯૪૦ પહેલાં – ?
  • ૧૯૪૦ પછી – મુંબાઈમાં સંગીતકાર
જીવન ઝરમર
  • ૧૯૪૦ – મુંબાઈમાં આગમન. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસે શાસ્ત્રીય સંગીતની તાલિમ લીધી. એચ.એમ.વી. તેમજ યંગ ઈન્ડીયા કંપનીમાં વાદક તરીકે તે જોડાયા. અહીં તેમનો પરીચય થયો અલ્લારખાં કુરેશીનો, જે આગળ જતાં તબલાંવાદક ઉસ્તાદ અલ્લારખાંના નામે વધુ જાણીતા થયા.
  • સનરાઈઝ પિક્ચર્સની‘મહાસતી અનસૂયા’માં તેમને તક તો મળી, પણ સફળતા હજી દૂર હતી. અમુક કારણોસર આ ફિલ્મમાં અલ્લારખાં, શાંતિકુમાર અને ત્રીજા સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસ-એમ ત્રણ સંગીતકારનાં બનાવેલાં ગીતો હતાં.
  • ત્યાર પછી જે.બી.એચ.વાડિયાની ફિલ્મ‘કૃષ્ણભક્ત બોડાણા’માં અવિનાશભાઈને ફરી તક મળી, અને ફરી નિષ્ફળતા
  • તેમને બીજી તક આપી ‘હીરાલાલ ડૉક્ટર’ નામના સજ્જને, જે અવિનાશભાઈના મામા ઈશ્વરલાલ મહેતાના મિત્ર હતા. ગુજરાતી ફિલ્મ ‘જીવનપલટો’ માટે. આ ફિલ્મ પણ નિષ્ફળ નિવડી. પણ એમાં અવિનાશ વ્યાસે લખેલું પહેલું ગુજરાતી ગીતનું સ્વરાંકન વપરાયું.
  • ૧૯૪૮માં આવેલી ‘ગુણસુંદરી’ ફિલ્મથી અવિનાશ વ્યાસની ગાડી એવી સડસડાટ ચાલી કે પાછું વાળીને જોયું જ નહીં.
  • અવિનાશભાઈએ પોતે ગાયેલું અને સ્વરબદ્ધ કરેલું ફિલ્મ ‘કૃષ્ણ સુદામા’ (૧૯૪૭)નું એક દુર્લભ ગીત‘તારો મને સાંભરશે સથવારો’
  • ૧૯૦ ગુજરાતી ફિલ્મોમાં તેમનું સંગીત ગૂંજ્યું.
  • તેમનાં પત્ની વસુમતીબેન પણ જાણીતાં ગાયિકા હતાં. તેમણે ગાયેલું બહુ જાણીતું ગીત – ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’
  • ૬૨ હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું.( નૌશાદની કુલ ફિલ્મોની સંખ્યા ૬૫ હતી, હેમંતકુમારે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોની સંખ્યા હતી ૫૪, જ્યારે રોશનની કુલ ફિલ્મોની સંખ્યા હતી ૫૭.)
  • સંગીતબદ્ધ કરેલાં હિન્દી ગીતો – ૪૩૬
  • ૧૯૪૭માં ‘એન.એમ.ત્રિપાઠીની કંપની’ દ્વારા પ્રકાશિત અને અવિનાશભાઈ લિખીત પુસ્તક ‘મેંદીના પાન’
  • તેમનાં ગીતોમાં સાહિત્યિકતા કદાચ ઓછી જણાય પણ, વાર્તાને અનુરૂપ, ગીતલેખનની સૂઝને ગુજરાતી ફિલ્મોમાં તેમણે બરાબર અમલમાં મૂકી. તેને લઈને ગુજરાતી ગીતોમાં અવિનાશભાઈની કલમ બરાબર નીખરી. ગુજરાતના લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં.
  • હિંદી ફિલ્મોમાં તેમણે સરસ્વતીકુમાર‘દીપક’, રમેશ ગુપ્તા, ભરત વ્યાસ, કમર જલાલાબાદી, પ્રદીપ, અન્જાન, ઈન્દીવર, પ્રેમ ધવન, પી.એલ. સંતોષી, રાજા મહેંદી અલી ખાં જેવા પ્રતિભાશાળી ગીતકારોએ લખેલાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે,
  • ઘેર ઘેર મળી જાય એવું અવિનાશ વ્યાસનાં ગીતોનું આલ્બમ.
  • યાદગાર ગીતો
    • ‘તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે..(ગીતારોય, ફિલ્મ: મંગલફેરા)’
    • ‘નૈન ચકચૂર છે’(મહંમદ રફી- લતા, ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો),
    • ‘પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે (મુકેશ, બિનફિલ્મી)’
    • ‘પિંજરું તે પિંજરું’ (મન્નાડે, બિનફિલ્મી)
    • ‘માડી તારું કંકુ ખર્યું’ (આશા ભોંસલે, બિનફિલ્મી),
    •  ‘આવને ઓ મનમાની’ (હેમંતકુમાર, ફિલ્મ: હીરો સલાટ),
    • ‘હું અમદાવાદનો રીક્ષાવાળો’(કિશોરકુમાર, ફિલ્મ: માબાપ)
    • ‘રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે..’ (ફિલ્મ: મંગલફેરા- ૧૯૪૯) ગીત તો એટલું લોકપ્રિય થયેલું કે તેમને એ ગીતની રોયલ્ટી પેટે વીસેક હજાર રૂપિયા જેવી માતબર રકમ એ જમાનામાં મળેલી.
  • ઉપેન્દ્ર ત્રિવેદી – “ અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન ન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત એ આપે એટલે બે-ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીનાં બે-ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળાં ગીતો ન ચાલે તો પણ લોકગીતોને કારણે ફિલ્મનું સંગીત ચાલે જ અને નિર્માતાને નુકસાન ન જાય.”
  • એક અંદાજ મુજબ અવિનાશભાઈની કલમમાંથી સર્જાયેલાં ગીતોની સંખ્યા પાંચ આંકડે પહોંચે છે.
  • સુરેશ દલાલ દ્વારા તેમનાં ગીતોનું સંપાદન ‘પાંદડું લીલું ને રંગ રાતો’
સન્માન 
  • ૧૯૭૦ – સંગીતમાં તેમના પ્રદાન બદલ પદ્મશ્રીનું સન્માન
સાભાર